News of Saturday, 14th December 2024
શંભુ બોર્ડર પર ફરી હોબાળો : દિલ્હી કુચ કરી રહેલા ખેડુતો પર પોલીસે ડ્રોનથી ટીયર ગેસના શેલ છોડયા
અંબાલામાં ઇન્ટરનેટ બંધ : અનેક ખેડૂતોને ઇજા : ભારે પોલીસબળ તૈનાત

હરિયાણા, તા.૧૪: પંજાબની શંભુ બોર્ડર પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ આજે ફરી દિલ્હી તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો છે. હરિયાણા પોલીસે ખેડૂતોને રોકયા છે અને આ દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત છે. દિલ્હી જવા નીકળેલા ૧૦૧ ખેડૂતોને રોકવા માટે ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. પોલીસે ખેડૂતો પર પાણીનો છંટકાવ પણ કર્યો હતો. અનેક ખેડૂતો ઘાયલ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે. આ પહેલા પણ ખેડૂતોને રોકવામાં આવ્યા હતા અને પોલીસે તેમના પર ટીયર ગેસના સેલ છોડયા હતા.
ખેડૂતોએ વિરોધ પ્રદર્શનના ૩૦૭મા દિવસે તેમની ‘દિલ્હી ચલો' કૂચ ફરી શરૂ કરી હતી, પરંતુ પોલીસે તેમને રાજધાની દિલ્હીમાં પ્રવેશતા રોકવા માટે બેરિકેડ લગાવી દીધા હતા. પોલીસની કાર્યવાહીથી વિરોધ સ્થળ પર તણાવ થયો, કારણ કે ખેડૂતોએ આગળ વધવાનો પ્રયાસ કર્યો, પરંતુ અધિકારીઓએ સુરક્ષાની ચિંતાઓ અને દિલ્હીમાં વિરોધીઓની હિલચાલને નિયંત્રિત કરવાની જરૂરિયાતને ટાંકીને તેમને આગળ વધવાની મંજૂરી આપી ન હતી.
ખેડૂત આગેવાન સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે દેશભરના ખેડૂતો પોતાનો અવાજ ઉઠાવે, જો તેઓ આમ કરશે તો ટીયરગેસ સહિતની આ તમામ બાબતો બંધ કરી દેવામાં આવશે અને અમને દિલ્હી જવા દેવામાં આવશે અને અમારી માંગણીઓ પુરી કરવામાં આવશે. હરિયાણા પોલીસ લોકોને ગેરમાર્ગે દોરી રહી છે. ૧૦૦ લોકો પગપાળા ચાલવા દેશ માટે કેવી રીતે ખતરનાક બની શકે?હરિયાણા-પંજાબ શંભુ બોર્ડર પર કોંગ્રેસના નેતા અને કુસ્તીબાજ બજરંગ પુનિયાએ કહ્યું કે એક તરફ સરકાર કહી રહી છે કે અમે ખેડૂતોને રોકી રહ્યાં નથી, પરંતુ બીજી તરફ તેઓ ટીયર ગેસ અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે. તેની સાથે એવું વર્તન કરવામાં આવી રહ્યું છે કે જાણે તે પાકિસ્તાનની સરહદ હોય. નેતાઓ જ્યારે વિરોધ કરવા દિલ્હી જાય છે ત્યારે શું પરવાનગી લે છે? ખેડૂતોને તેમના પાક માટે માત્ર MSP જોઈએ છે, અમે હંમેશા ખેડૂતોને સમર્થન આપીશું. સરકારે તેના વચનો પૂરા કરવા જોઈએ
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
