News of Sunday, 15th December 2024
અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે પત્ની નિકિતા સહિત 3 લોકોની કરી અટકાયત
ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા

બેંગલુરુ અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં બેંગલુરુ પોલીસે મોટી કાર્યવાહી કરતા પત્ની નિકિતા સિંઘાનિયા, નિકિતાની માતા નિશા સિંઘાનિયા અને ભાઈ અનુરાગ સિંઘાનિયાની ધરપકડ કરી છે. નિકિતાની ગુરુગ્રામથી જ્યારે માતા અને ભાઈની પ્રયાગરાજથીથી ધરપકડ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ થોડા દિવસો પહેલા અતુલે નિકિતા અને તેના પરિવાર પર ઉત્પીડન અને ખંડણીનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ અતુલે આત્મહત્યા કરી લીધી હતી. તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બેંગલુરુ પોલીસે શુક્રવારે (13 ડિસેમ્બર 2024) અતુલ સુભાષની પત્ની નિકિતા સિંઘાનિયાના જૌનપુરના ઘરની બહાર નોટિસ ચોંટાડી હતી.
બેંગલુરુ પોલીસે આરોપીઓને શોધવા માટે ઉત્તર પ્રદેશ પોલીસની મદદ લેવાનો નિર્ણય કર્યા બાદ આ ધરપકડ કરવામાં આવી છે. ત્રણેય આરોપીઓ પર અતુલ સામેનો કેસ પાછો ખેંચવા માટે 3 કરોડ રૂપિયા અને પુત્રને મળવાના હક માટે 30 લાખ રૂપિયાની માંગ કરવાનો આરોપ છે.
બેંગલુરુમાં AI એન્જિનિયર અતુલ સુભાષે સોમવારે તેના બેંગલુરુ એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હતી. તેણે 24 પાનાની સુસાઈડ નોટ છોડી હતી. 34 વર્ષીય AI એન્જિનિયરે આત્મહત્યા કરતા પહેલા 90 મિનિટનો વીડિયો પણ બનાવ્યો હતો. પોતાની સુસાઈડ નોટમાં અતુલે તેની પત્ની અને તેના સંબંધીઓ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. મૃતક અતુલ સુભાષે એવો પણ આરોપ લગાવ્યો હતો કે એક ન્યાયાધીશે કેસ પતાવવા માટે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી.
અતુલ સુભાષના આપઘાત બાદ તેના સાસરીયાઓ ફરાર થઈ ગયા હતા. જૌનપુરમાં પોતાનું ઘર છોડી દીધું હતું. પોલીસ તેની ધરપકડ કરવામાં વ્યસ્ત હતી. હવે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બિહારના રહેવાસી અતુલ સુભાષ બેંગલુરુની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં ડીજીએમ તરીકે કામ કરતા હતા. તેમણે 2019માં નિકિતા સિંઘાનિયા સાથે લગ્ન કર્યા હતા.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
