<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

મણિપુરમાં હિંસા દોર યથાવતઃ વાતાવરણ ફરી તંગ બન્‍યુઃ ઉપદ્રવિયોએ બે લોકોની ગોળી મારીને હત્યા

હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી: બંને યાદવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.

નવી દિલ્‍હીઃ  મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહ્યું નથી. તાજેતરમાં બનેલી એક ઘટનામાં ઉપદ્રવિયોએ બિહારના બે લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ ઘટના કાકચિંગ જિલ્લામાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. બંને પરપ્રાંતિય શ્રમીકોની હત્યા કરનારા હુમલાખોરોની હજુ સુધી ઓળખ થઈ નથી.
પોલીસના જણાવ્યાનુસાર, આ ઘટના શનિવારે (14 ડિસેમ્બર 2024) સાંજે લગભગ 5.20 વાગ્યે બની હતી. બંને શ્રમિકો કાકચિંગ જિલ્લાના કેરકમાં બાંધકામનું કામ કરીને પરત ફરી રહ્યા હતા. કાકચિંગ પોલીસે જણાવ્યું છે કે આ ઘટના પંચાયત ઓફિસ પાસે બની હતી. મૃતકોની ઓળખ મોહન સાનીના પુત્ર સુનાલાલ કુમાર (18) અને દશરથ કુમાર (17) તરીકે થઈ છે. બંને યાદવપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગોપાલગંજ જિલ્લાના રાજવાહી ગામના રહેવાસી હોવાનું કહેવાય છે.
કાકચિંગ પોલીસના જણાવ્યાનુસાર, બંને શ્રમિકો સાઇકલ પર તેમના ભાડાના મકાનમાં પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બંદૂકધારીઓએ તેને ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેને સ્થાનિક જીવન હોસ્પિટલમાં લઈ જવાયા હતા, પરંતુ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
પોલીસે કેસ નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી છે. હત્યા પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. નોંધનીય છે કે, મણિપુર 19 મહિનાથી હિંસાની આગમાં સળગી રહ્યું છે. અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે. હજારો પરિવારોને ઘર છોડીને રાહત શિબિરોમાં રહેવું પડ્યું છે. પરંતુ મણિપુર શાંત થવાને બદલે વધારે ભડકે બડી રહ્યું છે.
ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુરમાં ગયા વર્ષે 3 મેના રોજ જ્યારે કુકી સમુદાય દ્વારા 'આદિવાસી એકતા માર્ચ' કાઢવામાં આવી રહી હતી ત્યારે હિંસા ફાટી નીકળી હતી. આ માર્ચ ચુરાચંદપુરના તોરબાંગ વિસ્તારમાંથી નીકળી રહી હતી. મૈતેઈ સમુદાયને અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપવાની માંગને લઈને આ યાત્રા કાઢવામાં આવી હતી. આ દરમિયાન કુકી અને મૈતેઈ સમુદાયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી મણિપુરમાં હિંસાનું વાતાવરણ છે.

 

(11:29 AM IST)