<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 15th December 2024

"પાંચ દિવસ પછી શરૂ થઈ રહેલ ચિલ્લે કલાં"ના ૪૦ દિવસની પ્રચંડ ઠંડીના પ્રારંભ પૂર્વે કાતિલ ઠંડી કાશ્મીરીઓના ભુક્કા બોલાવી રહી છે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે સોમવાર તારીખ ૧૬ અને આવતીકાલે મંગળવારે તારીખ ૧૭ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના :કાશ્મીર ખીણના તમામ ૧૦ જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી નીચે ત્રણ થી પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ચાલ્યું ગયું છે: "ચિલ્લે કલાં"ના સમય દરમિયાન, ચાલુ ઠંડીની લહેર તેની ચરમસીમાએ પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી બરફથી ઢંકાયેલા રહેશે, વિશ્વપ્રસિદ્ધ શ્રીનગરનું દાલ સરોવર પણ થીજી જવાના તબક્કે પહોંચી જશે : મુસાફરોને દિવસના સમયે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવાની અને રામબન અને બનિહાલ વચ્ચે બિનજરૂરી સ્ટોપેજ, ઉભા રહેવાનું ટાળે તેવી પણ સલાહ આપવામાં આવે છે : મેન્ટેનન્સ એજન્સીઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ મુગલ રોડ, સિંથાન રોડ અને સોનમાર્ગ-કારગિલ રોડ પર ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે

જમ્મુ: પાંચ દિવસ પછી કાશ્મીરમાં સૌથી કઠોર ૪૦ દિવસનો શિયાળાનો સમયગાળો "ચિલ્લે કલાન" ૨૧ અને ૨૨ ડિસેમ્બરની રાત્રે શરૂ થશે અને "ચિલ્લે કલાન" ૩૧ જાન્યુઆરીએ પૂરો થશે. પરંતુ આ વર્ષે તે પહેલા જ કાશ્મીરમાં ભયંકર શિયાળાનું રાજ છવાઈ ગયું છે.  

ચિલ્લે કલાન એક ફારસી શબ્દ છે જેનો અર્થ થાય છે 'પ્રચંડ ઠંડી'. આ સમય દરમિયાન, ચાલુ ઠંડીની લહેર તેની ચરમસીમાએ પહોંચશે અને કાશ્મીરના પર્વતો અઠવાડિયાઓ સુધી બરફથી ઢંકાયેલા રહેશે, વિશ્વપ્રસિદ્ધ શ્રીનગરનું દાલ સરોવર પણ થીજી જવાના તબક્કે પહોંચી જશે.હાલમાં કાશ્મીર ઘાટીમાં તાપમાન શૂન્યથી ઘણું નીચે છે.  શુષ્ક વાતાવરણને કારણે દિવસ અને રાત વધુ પડતી ઠંડી પડી રહી છે.  ખીણના તમામ ૧૦ જિલ્લાઓમાં તાપમાન શૂન્યથી ચાલ્યું ગયું છે.  ગુલમર્ગ, સોનમર્ગ અને પહેલગામ જેવા પર્યટન સ્થળોએ દિવસ અને રાત વધુને વધુ ઠંડી પડી રહી છે.  શ્રીનગર, બારામુલ્લા, શોપિયાં, પુલવામા, અનંતનાગ, બડગામ, ગાંદરબલ, કુલગામ, બાંદીપોરામાં માઈનસ -૫ થી માઈનસ -૩ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગે ૧૭ ડિસેમ્બર મંગળવાર સુધી શુષ્ક હવામાનની આગાહી કરી છે.  આ સપ્તાહ સુધી ઠંડી ચાલુ રહેવાની શક્યતા છે.  

હવામાન ખાતાએ આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આજે સોમવાર તારીખ ૧૬ અને આવતીકાલે મંગળવારે તારીખ ૧૭ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અને આસપાસના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

૩ દિવસ પહેલા ઠંડા અને શુષ્ક હવામાનમાંથી થોડી રાહત મળી હતી, જ્યારે પહેલગામ, ગુલમર્ગ, સોનમર્ગ, શોપિયાં અને અન્ય હિલ સ્ટેશનોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી.  આનાથી ૧૨૦ દિવસનો શુષ્ક દૌરનો સમય સમાપ્ત થયો હતો, કારણ કે કાશ્મીરમાં ત્રણ મહિના પહેલા વરસાદ પડ્યો હતો ત્યારબાદ શુષ્ક દિવસો પસાર થયા હતા.

દરમિયાન, ટ્રાફિક પોલીસના પ્રવક્તાએ કહ્યું કે શુષ્ક હવામાનને કારણે શ્રીનગર-જમ્મુ જેવા વિસ્તારોમાં હિમવર્ષા થઈ નથી જેના કારણે રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો છે.  

ટ્રાફિક પોલીસે જણાવ્યું કે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પર બંને બાજુથી ટ્રાફિક સુગમ છે.  મુસાફરોને લેનમાં જ શિસ્તનું પાલન કરવાની, વાહન ચલાવવાની સલાહ આપવામાં આવે છે. ઓવરટેક કરવાથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાશે.

આ સાથે મુસાફરોને દિવસના સમયે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે ઉપર મુસાફરી કરવાની અને રામબન અને બનિહાલ વચ્ચે બિનજરૂરી સ્ટોપેજ, ઉભા રહેવાનું ટાળે તેવી પણ સલાહ આપવામાં આવે છે, કારણ કે ભૂસ્ખલન અને પથ્થર પડવાની પુરી સંભાવના છે.

તેમણે કહ્યું કે ડોડા જિલ્લામાં ભદરવાહ-ચંબા રોડ વાહનોની અવરજવર માટે ખુલ્લો છે. 

જ્યારે કાશ્મીર ક્ષેત્રમાં રોડ મેન્ટેનન્સ એજન્સીઓ તરફથી લીલી ઝંડી મળ્યા બાદ મુગલ રોડ, સિંથાન રોડ અને સોનમાર્ગ-કારગિલ રોડ પર ટ્રાફિકને મંજૂરી આપવામાં આવશે. (સુરેશ ડુગ્ગર, જમ્મુ)

(7:23 PM IST)