<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th December 2024

પરભણીમાં હિંસા મામલે ધરપકડ કરાયેલી સોમનાથ વેંકટ સૂર્યવંશીનું મૃત્યુ:જાણો પોસ્ટમોર્ટમ રિપોર્ટ

જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા સૂર્યવંશીને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા

મુંબઈ :બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણની કાચથી બંધ પ્રતિકૃતિને તોડફોડ કર્યા પછી પરભણીમાં હિંસા ફેલાઈ હતી. આ હિંસાના સંદર્ભમાં ધરપકડ કરવામાં આવેલી 35 વર્ષની વ્યક્તિનું મૃત્યુ સંખ્યાબંધ ઇજાઓને કારણે થવાની સંભાવના આજે રજૂ કરવામાં આવેલા પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે.
મુંબઈથી આશરે 530 કિલોમીટર દૂર પરભણીના શંકર નગરના રહેવાસી સોમનાથ વેંકટ સૂર્યવંશી હિંસાના સંબંધમાં ધરપકડ કરાયેલા 50થી વધુ વ્યક્તિઓમાં સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 6:49 વાગ્યે સરકારી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.

 

જ્યુડિશિયલ કસ્ટડીમાં રહેલા સૂર્યવંશીને છાતીમાં દુખાવો અને બેચેનીની ફરિયાદ બાદ તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. એ પરભણી જિલ્લા મધ્યસ્થ જેલમાં બંધ હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્રપતિ સંભાજી નગરની સરકારી હોસ્પિટલમાં છ ડૉક્ટરોની પેનલ દ્વારા ઇન-કેમેરા પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર વધુ દસ્તાવેજો મળ્યા બાદ અભિપ્રાય આપવામાં આવશે અને તપાસ અધિકારીને અગાઉના તબીબી દસ્તાવેજો, જો કોઈ હોય તો તે રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે એવી માહિતી અધિકારીઓએ આપી હતી.
રાજ્યભરમાં આંબેડકરવાદી સંગઠનો દ્વારા મૃત્યુ પામેલી વ્યક્તિને ન્યાય અપાવવા અને પોલીસ સામે કાર્યવાહીની માંગ સાથે કરવામાં આવેલા વિરોધ વચ્ચે પ્રાથમિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયો છે.

(9:46 PM IST)