<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th December 2024

કાશ્મીરથી લઈને એમપી, રાજસ્થાન સુધી તીવ્ર ઠંડી સાથે કોલ્ડ વેવનું એલર્ટ જાહેર : ફુંકાતા ઠંડા પવનો

IMD અનુસાર જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં આગામી છ દિવસ અને હિમાચલ પ્રદેશમાં 20 ડિસેમ્બર સુધી તીવ્ર ઠંડી રહેશે. મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં પણ ઠંડીની અસર જોવા મળશે

નવી દિલ્હી :ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી યથાવત છે. શીત લહેરથી ધ્રુજારી વધી છે અને તાપમાન સતત ઝડપથી ઘટી રહ્યું છે. દરમિયાન, ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ અને હરિયાણા માટે તીવ્ર ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં આ વિસ્તારોમાં ઠંડીમાં વધુ વધારો થવાની સંભાવના છે.

    IMD અનુસાર, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનમાં આગામી છ દિવસ અને હિમાચલ પ્રદેશમાં 20 ડિસેમ્બર સુધી તીવ્ર ઠંડી રહેશે. મધ્યપ્રદેશ, પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગોમાં પણ ઠંડીની અસર જોવા મળશે. 

   હવામાન વિભાગે કહ્યું કે, 16-22 ડિસેમ્બર દરમિયાન રાજસ્થાનના પશ્ચિમ અને પૂર્વ ભાગોમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે. હિમાચલ પ્રદેશમાં 20મી ડિસેમ્બર સુધી તીવ્ર ઠંડીનો સમયગાળો ચાલુ રહેશે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં 20 ડિસેમ્બર સુધી ઠંડીનું મોજું રહેશે 

   મોડી રાત્રે અને વહેલી સવારે ગાઢ ધુમ્મસની ચેતવણી પણ હવામાન વિભાગે આપી છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશઃ 18 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસ રહેશે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાઃ આ વિસ્તારોમાં 19 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસની સ્થિતિ રહેશે. 

   દેશની રાજધાની દિલ્હીમાં હવે ધ્રૂજતી ઠંડી શરૂ થઈ ગઈ છે અને લોકોને સવારે બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 17 અને 18 ડિસેમ્બર માટે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સવારે મધ્યમથી ગાઢ ધુમ્મસ રહેશે અને દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ રહેશે. રાત્રે ધુમ્મસ અને આછું ધુમ્મસ જોવા મળી શકે છે.

(12:04 AM IST)