તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ભાવનગર પાસે અકસ્માતમાં ૬ મોત : રર ને ઇજા : જુઓ વિડિઓ
ત્રાપજ પાસે ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા બસનો એક બાજુના ભાગનો કચ્ચરધાણઃ ઇજાગ્રસ્તોને જુદી-જુદી હોસ્પિટલોમાં સારવારમાં ખસેડાયા

ભાવનગરના ત્રાપજ પાસે સર્જાયેલ અકસ્માતમાં ૬ ના મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે. મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયા છે અને ઇજાગ્રસ્તોને સારવાર માટે જુદી-જુદી હોસ્પિટલોમાં ખસેડાયા છે. (તસ્વીર- અહેવાલ-મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૧૭ : ભાવનગર નજીક ત્રાપજ ગામ નજીક ઓજે વહેલી સવારે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં છ વ્યકિતઓના કરૂણ મોત નિપજયા છે. જયારે રર જેટલા મુસાફરોને ઇજા પહોંચતા ૧૦૮ ઇમરજન્સી દ્વારા તળાજા, ભાવનગરની હોસ્સ્પટલોમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે ખાનગી ટ્રાવેલ્સ બસનો એક ભાગ કરચરધાણ વળી ગયો હતો. બનાવની જાણ થતા જ પોલીસ કાફલો, આગેવાનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે મરણચીસોથી આંક્રદ ફેલાયું હતું.
આજે સવારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માતની મળતી વિગતો મુજબ સુરતથી રાજુલા જઇ રહેલ ખાનગી બસ એપલ ટ્રાવેલ્સ ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર ત્રાપજ બાયપાસ પાસે બંધ પડેલા ડમ્પર ટ્રક પાછળ ધડાકાભેર અથડાઇ હતી અને બસમાં બેઠેલા મુસાફરો પૈકી છના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજયા હતા જયારે રર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજા થતા દેકારો -પડકારાથી વાતાવરણ ગુંજી ઉઠયું હતું. આ બનાવની જાણ થતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ૧૦૮ ઇમરજન્સીવાનનો કાફલો પણ બનાવ સ્થળે દોડી આવી ઇજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢી હોસ્પિટલ રવાના કરવા પહોંચી ગયો હતો. આજુબાજુ વિસ્તારમાં આગેવાનો, ગ્રામ્યજનો બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.
આ અકસ્માતમાં રર જેટલા મુસાફરોને સરકારી અને ખાનગી હોસ્પીટલોમાં દાખલ કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં તળાજાની સદભાવના હોસ્પીટલમાં ૯, તળાજા સીએસી માં ૧ર, અને નીલકંઠ હોસ્પિટલમાં ૧ ને દાખલ કરવામાં આવેલ છે. જયારે છ વ્યકિતઓને ભાવનગર રીફર કરવામાં આવેલ છે.
ભાવનગરના ત્રાપજ પાસેના અકસ્માતમાં ૩ બાળકો સહિત ૬નો ભોગ લેવાયો
કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયાએ કલેકટર સહિતનાને સુચના આપી
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૭: ભાવનગરના ત્રાપજ પાસેના અકસ્માતમાં મૃતકોમાં ત્રણ બાળકો, બે મહિલા સહિત ૬ નો સમાવેશ થાય છે.
જયશ્રીબેન મહેશભાઇ નકુમ (ઉ.વ.૩૮) રહે.વાઘાગર, ચતુરાબેન મધુભાઇ હડીયા (ઉ.વ.૪૫) રહે.રસુલપરા, છગનભાઇ કાળાભાઇ બલદાનીયા, ખુશી કલ્પેશભાઇ બારૈયા (ઉ.વ.૮), તમન્ના ભરતભાઇ કવાડ (ઉ.વ.૪), ગોવિંદ ભરતભાઇ કવાડ (ઉ.વ.૭)નો ભોગ લેવાયો છે.
આ અકસ્માતની કેન્દ્રીય રાજયમંત્રી અને ભાવનગર સાંસદ નીમુબેન બાંભણીયાને જાણ થતાં ભાવનગર સર.ટી. હોસ્પિટલના સ્ટાફને ફટાફટ જાણ કરી હતી. ઇજાગ્રસ્ત લોકોને ઝડપી સારવાર માટે જે પણ કરવું પડે તે કરવા સુચના આપી હતી. કલેકટર સાથે સંપકમાં રહી તંત્રને સજાગ કરી અકસ્માત સ્થળ પર પહોંચવા અને બનતી તમામ મદદો કરવા સુચના આપી હતી.
ભાવનગરના મેયર અને પદાધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા.૧૭ : ત્રાપજ નજીક બંધ પડેલ ડમ્પર ટ્રકની સાથે ખાનગી બસનો હૃદય વલોવાઈ જાય એવો ગમખ્વાર અકસ્માત બનવા પામેલ. ઘાયલોને તાત્કાલિક સારવાર મળી રહે તેની ચિંતા કરતા કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા એ સંવેદના વ્યક્ત કરતા ભાવનગરના સર ટી હોસ્પિટલ અને તળાજાના હોસ્પિટલમાં પીડિતોને તાત્કાલીક સારવાર મળે તેવી સૂચનાઓ આપી દીધેલ. સાથે સત્ર શરૂ હોવા છતાં ઘટનાની તાજી જાણકારી અને સૂચનો માટે જરૂરી લોકો સાથે સતત સંપર્ક કરી રહ્યા છે, તેમજ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ ની સૂચનાથી શહેર સંગઠન તેમજ મેયર શ્રી ભરતભાઇ બારડ સહિત ચૂંટાયેલા અન્ય પદાધિકારીઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. સત્ર શરૂ હોવા છતાં કેન્દ્રીય મંત્રી નિમુબેન થોડી થોડી વારે સંપર્ક કરીને ચિંતા જતાવી રહ્યા છે, ત્યારે રાજ્યના સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે પણ શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ સાથે બનાવ અંગે ચર્ચા કરેલ. શહેર ભાજપ સંગઠન અને ચૂંટાયેલા સૌ પદાધિકારીઓએ દારુણ અકસ્માત અંગે દુઃખ અને સંવેદના વ્યક્ત કરીને પોતપોતાની માનવીય જવાબદારીઓ સંભાળવા લાગ્યા હતા.
(4:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
