તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Tuesday, 17th December 2024
ફેબ્રુઆરી મધ્યથી વિધાનસભા સત્રઃ અભૂતપૂર્વ બજેટની તૈયારી
વર્ષ ર૦ર૩-ર૪નું બજેટ ૩,૩ર,૪૬પ કરોડનું હતુ, ર૦ર૪-રપ ના બજેટનું કદ ૩,પ૦,૦૦૦ કરોડ આસપાસ હશે : ૧ વર્ષ પછી આવનારી પાલિકા-પંચાયતોની ચૂંટણીને ધ્યાને રાખીને બજેટમાં આકર્ષક યોજનાઓ રજુ થશે :નવા બજેટમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય પર વધુ ભાર રહેવાનો નિર્દેષઃ કનુભાઇ દેસાઇ ચોથી વખત બજેટ રજુ કરશેઃ સૌથી વધુ ૧૮ વખત વજુભાઇ વાળાએ બજેટ રજુ કરેલ

રાજકોટ તા. ૧૭ :.. ગુજરાત સરકારના નવા નાણાકીય વર્ષ ર૦ર૪-રપ ના બજેટની તૈયારીનો ગાંધીનગરમાં ધમધમાટ ચાલી રહ્યો છે. સચિવાલયમાં મંત્રીશ્રી કક્ષાએ અને નાણા વિભાગ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. ગયા વર્ષ કરતા ૧૦ ટકા કે તેથી વધુ બજેટનું કદ વધશે. નવા બજેટના અમલના સમયગાળામાં ૪ રાજયભરમાં વર્ષ ર૦ર૬ ના પ્રારંભે તાલુકા-જિલ્લા પંચાયતો તથા નગરો અને મહાનગરોની ચૂંટણી આવી રહી છે તે બાબત સરકાર બજેટના બનાવતી વખતે ધ્યાને લ્યે તે સ્વભાવિક છે. નાણામંત્રી શ્રી કનુભાઇ દેસાઇ વધુ એક વખત બજેટ રજૂ કરવાની તૈયારીમાં છે. બજેટ કદની દ્રષ્ટિએ અભૂતપૂર્વ બની રહે તેવા સંકેત છે.
રાજયના બજેટમાં સામાન્ય રીતે કૃષિ, શિક્ષણ અને આરોગ્યને સૌથી વધુ મહત્વ અપાતુ હોય છે તે પરંપરા જળવાઇ રહે તેવી શકયતા છે. સરકાર ખેડૂતો, મહિલાઓ, યુવાનો વેપાર-ઉદ્યોગકારો વગેરે માટે નળ યોજના જાહેર કરે તેવી શકયતા નકારાતી નથી. રાજયના બજેટમાં છેલ્લા ઘણા વર્ષોથી ધરખમ કરવેરા લાદવામાં આવ્યા નથી કે કોઇ બહુ મોટી રાહત આપવામાં આવી નથી. ગયા વર્ષે લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને બજેટ સત્ર ત્રણ અઠવાડીયા વહેલુ તા. ૧ ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવ્યુ હતું. આ વખતે બજેટ સત્ર ૧પ ફેબ્રુઆરી આસપાસથી શરૂ થાય અને માર્ચ ઉતરાર્ધ સુધી ચાલી શકે તેવુ આધારભૂત વર્તુળોનું કહેવું છે. ગ્રામ પંચાયતો અને ૮૦ જેટલી નગરપાલિકાઓની ચૂંટણી જાન્યુઆરીમાં થવાની ધારણા છે.
વર્તમાન નાણાકીય વર્ષના બજેટનું કદ ૩ લાખ, ૩ર હજાર, ૪૬પ કરોડનું હતું. નવા બજેટનું કદ ચાલુ વર્ષ કરતા વધુ હશે. સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની વર્ષ ર૦ર૬ ની ચૂંટણીઓને ધ્યાને રાખીને શહેરી અને ગ્રામીણ વિસ્તારો માટે આકર્ષક યોજનાઓ લાવવામાં આવશે. તેમ માનવામાં આવે છે. જુદા જુદા વિભાગો પાસેથી વર્તમાન નાણાકીય વર્ષની બજેટને લગતી થયેલ કામગીરી અને નવા નાણાકીય વર્ષ માટેની જરૂરીયાતની માહિતી માંગવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં નાણામંત્રી તરીકે શ્રી કનુભાઇ દેસાઇ ૩ વખત બજેટ રજુ કરી ચૂકયા છે. હવે ફેબ્રુઆરીમાં ચોથી વખત બજેટ રજુ કરવાની તૈયારી કરી રહ્યા છે. રાજયમાં સૌથી વધુ ૧૮ વખત બજેટ રજુ કરવાનો વિક્રમ શ્રી વજુભાઇ વાળાના નામે છે. ફેબ્રુઆરીમાં રજુ થતા બજેટનો અમલ જે તે વર્ષની તા. ૧ લી એપ્રિલથી થવા પાત્ર હોય છે. (પ-૭)
ગુજરાતનું પ્રથમ બજેટ ૬૪ વર્ષ પહેલા ૧૧પ કરોડનું રજુ થયેલ
રાજકોટ : મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજય અલગ થયા પછી ગુજરાતનું પ્રથમ બજેટ ડો. જીવરાજ મહેતાએ રજુ કર્યુ હતું. એ સમયે તેઓ મુખ્યમંત્રી પણ હતા અને નાણામંત્રીનો હવાલો પણ સંભાળતા હતાં. ગુજરાતનું પ્રથમ બજેટ રર ઓગસ્ટ ૧૯૬૦ ના રોજ કામચલાઉ વિધાનસભા અમદાવાદથી રજૂ કરવામાં આવ્યું હતું.
ગુજરાતનું પ્રથમ બજેટ ૧૧પ કરોડ રૂપિયાનું હતું. જેમાં મહેસુલી આવક પ૪ કરોડ રપ લાખ હતી અને ખર્ચા પ૮ કરોડ ૧ર લાખ હતો. આમ બજેટમાં ખાદ્ય રૂપિયા ૩ કરોડ ૩૭ લાખ હતી.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
