<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

દેશભરમાં શીત લહેરઃ જમ્‍મુ કાશ્‍મીરમાં -૮ ડિગ્રીઃ યુપી-બિહાર સહિત અનેક રાજ્‍યોમાં હાડ થીજાવતી ઠંડી

જનજીવન પર અસરઃ હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું: હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા

નવી દીલ્‍હી, તા. ૧૮: હવે પહાડી રાજ્‍યો સહિત ઉત્તર અને મધ્‍ય ભારતમાં શીત લહેર વધી છે. ઉત્તર ભારતના ઘણા રાજ્‍યોમાં લઘુત્તમ તાપમાન પાંચ ડિગ્રીથી નીચે જઈ રહ્‍યું છે. મધ્‍ય ભારતમાં પણ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. મેદાની રાજ્‍યોમાં ઠંડીનું પ્રમાણ વધ્‍યું છે. બપોરના સમયે તડકો પડતાં દિવસ દરમિયાન રાહત રહેતી હોવા છતાં રાત્રિના સમયે તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્‍યો છે.

હવામાન વિભાગે ઘણા રાજ્‍યોમાં ઠંડીને લઈને ચેતવણી પણ જારી કરી છે. પહાડી રાજ્‍યોમાં જમ્‍મુ અને કાશ્‍મીર સૌથી ઠંડું છે, જમ્‍મુ અને કાશ્‍મીરની વાત કરીએ તો, મંગળવારે શ્રીનગરમાં તાપમાન માઈનસ ૫.૩ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. આ સીઝનમાં શ્રીનગરમાં આ સૌથી ઓછું તાપમાન હતું. દાલ સરોવર સહિત કાશ્‍મીરના લગભગ તમામ જળ સ્‍ત્રોતોમાં પાણી જામવાનું શરૂ થઈ ગયું છે.

રાજ્‍યના પમ્‍પોરના કનિબલમાં માઈનસ ૮.૫ ડિગ્રી સેલ્‍સિયસનું સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. ઉત્તરાખંડમાં બદ્રીનાથ, હેમકુંડ સાહિબ અને આસપાસના શિખરો પર હિમવર્ષા થઈ હતી. હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્‍પીતિ સ્‍થિત ટેબોમાં માઈનસ ૬.૪ ડિગ્રી તાપમાન સૌથી ઓછું હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે હિમાચલ પ્રદેશના અડધા ભાગમાં ૨૩ ડિસેમ્‍બર સુધી ઠંડીનું મોજું ચાલુ રહેશે. પંજાબના ફરીદકોટમાં તાપમાન શૂન્‍ય ડિગ્રીએ પહોંચ્‍યું હતું. જ્‍યારે ફાઝિલ્‍કામાં લઘુત્તમ તાપમાન ૦.૯ ડિગ્રી સેલ્‍સિયસ અને પઠાણકોટમાં ૧.૭ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું. હિમાચલ પ્રદેશમાં હવામાન વિભાગે ઠંડીની સ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને ચાર જિલ્લાઓમાં બે દિવસ માટે ઓરેન્‍જ એલર્ટ જારી કરી છે. લાહોલ અને સ્‍પિતિના તાબોમાં લઘુતમ તાપમાન માઇનસ ૬.૫ ડિગ્રી સેલ્‍સિયસ નોંધવામાં આવ્‍યું હતું.

મનાલીમાં માઇનસ ૨.૧ ડિગ્રી સેલ્‍સિયસ તથા શિમલામાં ૭.૬ ડિગ્રી સેલ્‍સિયસ  તાપમાન નોંધવામાં આવ્‍યું હતું. દિલ્‍હીમાં લઘુતમ તાપમાન ૫.૯ ડિગ્રી સેલ્‍સિયસ રહ્‍યું હતું.હવામાન વિભાગના જણાવ્‍યા અનુસાર પંજાબમાં ૨૩ ડિસેમ્‍બર સુધી ઠંડીનું મોજુ યથાવત રહેશે. આ અંગે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું છે. બીજી તરફ, હરિયાણામાં હવામાનની સ્‍થિતિ પંજાબ જેવી જ છે. મંગળવારે હરિયાણામાં હિસાર જિલ્લો સૌથી ઠંડો રહ્‍યો હતો. અહીં લઘુત્તમ તાપમાન ૧.૬ ડિગ્રીએ પહોંચ્‍યું હતું.

(11:44 AM IST)