News of Wednesday, 18th December 2024
નવો GST નંબર મેળવવા માટે હવે ત્રણ કેટેગરી પ્રમાણે કાર્યવાહી કરવા વિચારણા

મુંબઇ, તા.૧૮: આડેધડ જીએસટી નંબરની ફાળવણી કરવામાં આવતી હોવાના કારણે બોગસ બિલિંગ સહિતની સમસ્યા સર્જાતી હોય છે. જેથી હવે પાનકાર્ડના આધારે વેપારીની વિગતો મેળવ્યા બાદ જ નવો અથવા તો બીજો જીએસટી નંબર ફાળવવામાં આવે તે પ્રમાણેની કાર્યવાહી કરવા માટે વિચારણા કરવામાં આવી છે. તેની સત્તાવાર જાહેરાત આગામી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કરવામાં આવે તેવી પણ શકયતા રહેલી છે.
જીએસટી નંબર ફાળવવા માટે બાયોમેટ્રીક સિસ્ટમ તો લાગુ કરી દેવામાં આવી છે. જોકે તેની શરૂઆત ગુજરાતથી કરવામાં આવ્યા બાદ દેશના મોટા ભાગના વિસ્તારમાં તેની શરૂઆત કરવામાં આવી છે. આગામી દિવસોમાં જીએસટીમાં નવો નંબર મેળવવા માટે ત્રણ કેટેગરી પ્રમાણે નંબર ફાળવવો કે નહીં તેનો નિર્ણય કરવામાં આવનાર છે.
જોકે આ સિસ્ટમ ગુજરાતમાં તો લાગુ કરી દેવામાં આવી જ છે. પરંતુ હવેથી ગુજરાત સિવાયના રાજ્યમાં પણ તે જ પ્રમાણે જીએસટી નંબર ફાળવવામાં આવે તે માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમાં ત્રણ કેટેગરી નક્કી કરવામાં આવી છે. કેટેગરીમાં હાઈ રિસ્ક, મીડિયમ રિસ્ક અને કોઈ પણ રિસ્ક નહીં હોય તે પ્રમાણે નંબર ફાળવણી કરવાની વિચારણા કરવામાં આવનાર છે. પાનકાર્ડ નંબરના આધારે વેપારી નિયમિત રિટર્ન ભરે છે કે નહીં. અત્યાર સુધી કેટલી વખત રિટર્ન મોડું ભર્યું, બોગસ બિલિંગમાં નોટિસ મળી છે કે નહીં તેવી તમામ બાબતોની ચકાસણી કર્યા બાદ જ નંબરની ફાળવણી કરવામાં આવશે. જોકે ગુજરાતમાં તો જીએસટી નંબરની ફાળવણી કરતા પહેલા બાયોમેટ્રિક સિસ્ટમની સાથે સ્થળ તપાસ પણ કરવામાં આવી રહી છે, કારણ કે બોગસ બિલિંગના સૌથી વધુ કેસ ગુજરાતમાંથી જ મળી આવ્યા છે. તેના કારણે ગુજરાત જેવી જ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવાની તજવીજ હાથ ધરવામાં આવનાર હોવાની વિગતો જાણવા મળી છે.
(4:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
