<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા પાસે મોટી દુર્ઘટના :એલિફન્ટા જતી બોટ પલ્ટી મારી ગઈ :ત્રણ લોકોના મોત :66 લોકોને બચાવાયા

બોટમાં 80 મુસાફરો સવાર હતા: હજુ અનેક લોકો લાપતા : કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌસેના તરફથી બચાવ કામગીરી : 4 હેલીકૉપટર પણ બચાવ કામગીરીમાં જોડાયા

મુંબઈના ગેટવે ઑફ ઈન્ડિયાથી એલિફન્ટા જઈ રહેલી બોટને અકસ્માત નડ્યો હતો. જેમાં 3 લોકોના મોત થયા છે. બોટમાં 80 મુસાફરો સવાર હતા. આ ઘટના બપોરે 3.55 કલાકે બની હતી. અકસ્માત બાદ 66 લોકોને બચાવી લેવાયા છે. જોકે, હજુ પણ અનેક લોકો ગુમ થયા હોવાની માહિતી મળી રહી છે.મળતી માહિતી મુજબ, બોટ એક તેજ ગતિએ જઈ રહેલી એક નાની હોડી સાથે અથડાઈ હતી. જેના કારણે બોટમાં પાણી ભરાવા લાગ્યું હતું અને તે ડૂબી ગઈ હતી.

કોસ્ટ ગાર્ડ અને મરીન પોલીસના સંકલનથી નૌસેના તરફથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નૌસેનાની 11 બોટ, મરીન પોલીસની 3 બોટ અને કોસ્ટ ગાર્ડની 1 બોટ પાણીમાં તૈનાત છે.આ સિવાય 4 હેલિકોપ્ટર પણ બચાવ કામગીરીમાં જોડાયા છે.
    મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આ ઘટના વિશે માહિતી આપતા લખ્યું કે, 'સૂચના મળી કે, એલિફન્ટા જઈ રહેલી નીલકમલ બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. તાત્કાલિક ધોરણે સહાય માટે નૌસેના, કોટગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમની બોટ મદદ માટે મોકલવામાં આવી છે. અમે જિલ્લા અને પોલીસ તંત્રના સતત સંપર્કમાં છીએ, સદનસીબે મોટાભાગના નાગરિકોનો આબાદ બચાવ થયો છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. જિલ્લા વહીવટીતંત્રને બચાવ કામગીરી માટે તે તમામ સિસ્ટમને તૈનાત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.'

(6:52 PM IST)