<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th December 2024

મુંબઈમાં મોટી દુર્ઘટના : મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલ્ટી મારી : 3 ખલાસીઓ સહિત 13 લોકોના મોત

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરો ભરેલી બોટ સ્પીડ બોટ સાથે અથડાઈ: બોટનું નામ નીલકમલ છે અને તે એલિફન્ટા જઈ રહી હતી.:કરંજા નજીક ઉરણ ડૂબવા લાગ્યું

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મુસાફરોથી ભરેલી બોટ દરિયાની વચ્ચે નેવીની સ્પીડ બોટ સાથે અથડાઈ હતી. ટક્કર બાદ મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 13 લોકોએ જીવ ગુમાવ્યા છે. દરમિયાન બચાવ કાર્ય ચાલી રહ્યું છે.

  ઘટના બાદ તરત જ બોટમાં સવાર લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. નેવી, જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA), કોસ્ટ ગાર્ડ, યલો ગેટ પોલીસ સ્ટેશન અને સ્થાનિક માછીમારોની મદદથી લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

   ભારતીય નૌકાદળના એક અધિકારીએ આ દુર્ઘટના અંગે નિવેદન જારી કરીને કહ્યું કે મુંબઈના દરિયાકાંઠે થયેલા આ અકસ્માતમાં 10થી વધુ લોકોના મોતની આશંકા છે. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે દરિયાઈ પરીક્ષણ હેઠળ નૌકાદળનું સ્પીડ-ક્રાફ્ટ નિયંત્રણ બહાર ગયું અને બોટ સાથે અથડાયું. 

   અધિકારીએ જણાવ્યું કે આ નૌકાદળની બોટનું એન્જિન તાજેતરમાં બદલવામાં આવ્યું છે અને નવા એન્જિનનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. એન્જિન સંપૂર્ણ રીતે ફસાઈ ગયું અને બોટ કાબૂ બહાર જઈને નીલકમલ નામની બોટ સાથે અથડાઈ. નૌકાદળની આ બોટમાં 6 લોકો સવાર હતા, જેમાં 2 ખલાસીઓ અને એન્જિન સપ્લાય કંપનીના 4 સભ્યો હતા. ફેરીમાં 80 પુખ્ત મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બર હતા. ફેરી પર હાજર બાળકોની સંખ્યા જાણવામાં આવી રહી છે કારણ કે તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. સર્ચ ઓપરેશન ચાલુ છે. 

  મુંબઈમાં આ દુર્ઘટના અંગે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમને એલિફન્ટા ટાપુ તરફ જઈ રહેલી નીલકમલ નામની બોટના અકસ્માતની માહિતી મળી છે. નેવી, કોસ્ટ ગાર્ડ, પોર્ટ અને પોલીસની ટીમોની બોટ તાત્કાલિક મદદ માટે રવાના કરવામાં આવી છે.

   તેમણે કહ્યું કે અમે જિલ્લા અને પોલીસ પ્રશાસનના સતત સંપર્કમાં છીએ અને સદનસીબે મોટાભાગના નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. જો કે બચાવ કાર્ય હજુ ચાલુ છે. બચાવ કામગીરી માટે તમામ જરૂરી મશીનરી તૈનાત કરવા માટે જિલ્લા વહીવટી તંત્રને આદેશ આપવામાં આવ્યા છે.

(9:22 PM IST)