<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th December 2024

સંસદમાં ધક્કામુક્કી : ભાજપના ૨ સાંસદો ICUમાં : રાહુલ ઉપર આરોપ

સંસદ ભવન કે કુશ્‍તીનો અખાડો ? બાબા સાહેબ આંબેડકરને લઇને સંસદની અંદર અને બહાર સ્‍થિતિ ગરમાગરમ : સંસદની બહાર ધક્કામુક્કી : ભાજપના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપુત ઘાયલ : સારંગીને માથામાં ઇજા : ICU માં દાખલ કરાયા : ભાજપે રાહુલ ગાંધી સામે પોલીસ સ્‍ટેશનમાં નોંધાવી ફરીયાદ

નવી દિલ્‍હી, તા.૧૯: બાબા સાહેબ ભીમરાવ આંબેડકરને લઈને સંસદની અંદર અને બહાર સ્‍થિતિ ખૂબ જ ગરમ થઈ ગઈ છે. આજે સંસદની બહાર પણ હોબાળો અને ધક્કામુક્કી જોવા મળી હતી. જેમાં ભાજપના બે સાંસદો ઘાયલ થતાં તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્‍યા. આ ઘટનામાં ઘાયલ પ્રતાપ સારંગીએ કોંગ્રેસ નેતા અને લોકસભાની નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્‍યો હતો. તે જ સમયે અન્‍ય સાંસદ મુકેશ રાજપૂતે પણ આ માટે રાહુલને જવાબદાર ગણાવ્‍યા છે. હવે આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ભાજપના ૩ સાંસદ સંસદ માર્ગ પોલીસ સ્‍ટેશન પહોંચ્‍યા હતા. બાંસુરી સ્‍વરાજ, અનુરાગ ઠાકુર અને હેમાંગ જોશી ફરિયાદ અરજી લઈને પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીએ બંને સાંસદો સાથે ફોન પર વાત કરી અને તેમની સ્‍થિતિ વિશે પૂછયું. તે જ સમયે કેન્‍દ્રીય મંત્રી પીયૂષ ગોયલ, ધર્મેન્‍દ્ર પ્રધાન અને શિવરાજ સિંહ ચૌહાણ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂતની ખબર પૂછવા માટે રામમનોહર લોહિયા હોસ્‍પિટલ પહોંચ્‍યા હતા. બેઠક બાદ શિવરાજે કહયું, રાહુલ ગાંધીની ગુંડાગીરીનું બીજું કોઈ ઉદાહરણ જોવા નહીં મળે. મને સમજાતું નથી કે રાહુલ ગાંધી ગુંડાગીરી કરીને શું મેળવશે? હવે આવા સાંસદોને માર મારવામાં આવશે. ભારતના સંસદીય ઈતિહાસમાં આજ સુધી આવું વર્તન જોવા મળ્‍યું નથી.

બંને સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત આરએમએલ હોસ્‍પિટલમાં દાખલ છે. બંને હાલ હોસ્‍પિટલના ICUમાં છે અને તેમને સ્‍થિર કરવા માટે ડોક્‍ટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે. આરએમએલના એમએસ અજય શુક્‍લાએ જણાવ્‍યું હતું કે સીટી સ્‍કેન અને અન્‍ય તપાસ ચાલી રહી છે. સાંસદ પ્રતાપ સારંગીને હોસ્‍પિટલમાં લાવવામાં આવ્‍યા, તેમના માથા પર ઊંડો ઘા હતો અને તેઓ હોસ્‍પિટલ પહોંચ્‍યા ત્‍યાં સુધીમાં તેમનું ઘણું લોહી વહી ગયું હતું. ‘‘ડોક્‍ટરોએ તેના ઘા પર ટાંકા કર્યા છે,‘‘ ડૉ શુક્‍લાએ કયું.

બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ કહ્‍યું, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડયો અને હું નીચે પડી ગયો. હું સીડી પાસે ઉભો હતો ત્‍યારે રાહુલ ગાંધી આવ્‍યા અને એક સાંસદને ધક્કો માર્યો જે મારા પર પડયો હતો.

બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્‍યો કે, રાહુલ ગાંધી લડવા માટે વચ્‍ચે આવ્‍યા હતા. જાણે તેમનું વર્તન ગુંડા જેવું હતું, આ દેશ ગુંડાઓને સહન કરશે નહીં. તેણે અમારા એક વડીલ સાંસદને ધક્કો માર્યો અને તે પડી ગયા.(૨૩.૩૩)

(3:14 PM IST)