News of Saturday, 21st December 2024
આજથી બે દિવસ કુવૈતના પ્રવાસે પીએમ મોદી
૪૩ વર્ષ બાદ પહેલીવાર કોઈ ભારતીય PM કુવૈતની મુલાકાતે લેશે

નવી દિલ્હી, તા.૨૧: વડાપ્રધાન મોદી આજથી કુવૈત ના બે દિવસ (૨૧-૨૨ ડિસેમ્બર) ના પ્રવાસે જશે. અહીં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવશે. ૪૩ વર્ષ બાદ આ પહેલીવાર હશે કે જ્યારે કોઈ ભારતીય PM કુવૈતની મુલાકાતે લેશે. સપ્ટેમ્બરમાં કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે પીએમની મુલાકાત થઈ હતી. આ મુલાકાત અંગે વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન મોદી કુવૈતના અમીર, મહામહિમ શેખ મેશલ અલ-અહમદ અલપ્રજાબેર અલપ્રસબાહના આમંત્રણ પર ૨૧ અને ૨૨ ડિસેમ્બરે કુવૈતની યાત્રા કરશે. આ ૪૩ વર્ષમાં કોઈ ભારતીય વડાપ્રધાનની કુવૈતની પહેલી યાત્રા છે અને તેથી, તે ખૂબ મહત્ત્વ ધરાવે છે.'
વિદેશ મંત્રાલય (MEA) એ શુક્રવારે કહ્યું કે આ મુલાકાતથી ભારત અને કુવૈત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ થવાની અપેક્ષા છે. MEA અનુસાર, આ યાત્રા દરમિયાન બંને દેશો વચ્ચે રક્ષા, વેપાર અને અન્ય ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત કરવા પર ચર્ચા થશે. પીએમ મોદીને આ આમંત્રણ કુવૈતના અમીર શેખ મશલ અલ-અહમદ અલ-જાબેર અલ-સબાહ દ્વારા આપવામાં આવ્યું છે. તેમની મુલાકાત દરમિયાન વડાપ્રધાન કુવૈતના ટોચના નેતળત્વને મળશે અને ત્યાં રહેતા ભારતીય સમુદાયના લોકો સાથે પણ વાતચીત કરશે. ઉલ્લેખનીય છે કે કુવૈતમાં ભારતીય સમુદાય સૌથી મોટો વિદેશી સમૂહ છે.
શનિવાર, ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ ભારતીય સમય પ્રમાણે સવારે ૦૯:૧૫ કલાક વડાપ્રધાન મોદી કુવૈત જવા નીકળશે.
સ્થાનિક સમય અનુસાર સવારે ૧૧:૩૫ વાગે અમીરી ટર્મિનલ પર પહોંચશે. બપોરે ૧૪:૫૦ થી ૧૫:૨૦ વાગ્યા સુધી વડાપ્રધાન મોદી ગલ્ફ સ્પીક લેબર કેમ્પની મુલાકાત લેશે.
બપોરે ૧૫:૫૦ વાગ્યાથી ૧૬:૫૦ વાગ્યા દરમિયાન શેખ સાદ અલ અબ્દુલ્લા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સામુદાયિક કાર્યક્રમમાં સામેલ થશે.
સાંજે ૧૮:૩૦ થી ૧૯:૩૦ વાગ્યા દરમિયાન ગલ્ફ કપ (ફૂટબોલ) ઓપનિંગ સેરેમનીમાં સામેલ થશે.
PROMOTIONAL 12
બીજા દિવસે રવિવારે ૨૨ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ સવારે ૧૦:૦૦ વાગે વડાપ્રધાન મોદીને બયાન પેલેસ ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.
આ પછી ૧૦:૩૦થી ૧૦:૪૫ વાગ્યા દરમિયાન કુવૈતના અમીર સાથે મુલાકાત થશે.
ત્યારબાદ ૧૧:૦૦ વાગ્યાથી ૧૧:૩૦ વાગ્યા દરમિયાન કુવૈતના ક્રાઉન પ્રિન્સ સાથે મુલાકાત કરશે.
જે પછી ૧૧:૩૦ વાગ્યાથી ૧૨:૩૦ વાગ્યા સુધીમાં કુવૈતના વડા પ્રધાન સાથે મુલાકાત કરશે અને ત્યારબાદ એમઓયુ પર હસ્તાક્ષર કરશે.
બપોરે ૧ વાગે પ્રેસ બ્રીફિંગમાં ભાગ લેશે. આ પછી સાડા ત્રણ વાગે દિલ્હી માટે પ્રસ્થાન કરશે. રવિવારે રાતે એરફોર્સ સ્ટેશન પાલમ, દિલ્હી ખાતે પાછા આવશે. નોંધનીય છે કે પ્રોગ્રામમાં ફેરફાર શકય છે. કુવૈતનો સ્થાનિક સમય IST કરતાં ૨ કલાક ૩૦ મિનિટ પાછળ છે.
૧૯૮૧ પછી વડાપ્રધાનની પ્રથમ મુલાકાત
કુવૈતની મુલાકાત લેનારા છેલ્લા ભારતીય વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા, જેમણે ૧૯૮૧માં કુવૈતની મુલાકાત કરી હતી.
વેપાર અને ઊર્જા સહકાર
નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ભારત અને કુવૈત વચ્ચે દ્વિપક્ષીય વેપાર US$ 10.47 બિલિયન સુધી પહોંચ્યો. કુવૈત ભારતનું છઠ્ઠું સૌથી મોટું ક્રૂડ ઓઈલ સપ્લાયર છે, જે ભારતની ઉર્જા જરૂરિયાતોના ૩% પૂરા કરે છે. ભારતીય નિકાસ પ્રથમ વખત US$2 બિલિયનના આંકને વટાવી ગઈ છે, જ્યારે કુવૈત ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી દ્વારા ભારતમાં કરવામાં આવેલ રોકાણ US$10 બિલિયનને વટાવી ગયું છે.
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
