<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

મોહમ્‍મદ રફીની જન્‍મશતાબ્‍દિએ એક અનોખી શબ્‍દાંજલી

૧૯૪૪ માં શરૂ કરેલ સ્‍વરયાત્રા ૧૯૮૦ માં વિરામ સુધી ૩૬ વર્ષ સુધી સાતત્‍યપૂર્વક ચાલતી રહી : હિન્‍દી અને અન્‍ય ભાષા મળી કુલ ૫૦૬૩ રચના

રાજકોટ : ૩૧ જુલાઈ,૧૯૮૦નો એ ગોઝારો દિવસ. એ રમઝાનનો પવિત્ર મહિનો હતો. ‘મોહમ્‍મદ રફી' નામધારી એ અલ્લાહના પાક બંદાને કબર ભણી લઈ જવાતાં આકાશ પણ જાણે ચોધાર આંસુએ રડતું હોય એમ તેમની સ્‍મશાનયાત્રા વખતે સતત વરસી રહ્યું હતું. પોતાના લાડીલા ગાયકના જનાજાને કાંધ આપવા માટે પડાપડી કરતા ચાહકોની પાછળ છત્રીઓથી ઢંકાયેલો માનવમહેરામણ એ મુંબઈ નગરીએ ભાગ્‍યે જ જોયેલું દ્રશ્‍ય છે. રફીસાહેબની સ્‍મશાનયાત્રામાં સામેલ મેદની હતી આશરે ૧૦,૦૦૦ ઉપરાંતની. રફીસાહેબની આ અંતિમયાત્રામાં જોડાયેલ પ્રત્‍યેક વ્‍યક્‍તિ ભીંજાયેલ હતી ભીતરથી અને બહારથી. મુંબઈ નગરીએ બહુ ઓછી જોયેલ છે આટલી અને આવડી ‘પ્રલંબ' સ્‍મશાનયાત્રા!

આવો,આજે સ્‍મરણ કરીએ એ ઓલિયા ગાયક રફીસાહેબની સૂરીલી સ્‍વરયાત્રાના કેટલાક મનોહર મુકામનું!

માત્ર ૫૫ વર્ષ, ૭ માસ અને ૭ દિવસનું સ્‍વલ્‍પ પણ સુરીલું આયખું લઈને આજથી ૧૦૦ વર્ષ અગાઉ એટલે કે ૨૪ ડિસેમ્‍બર ૧૯૨૪ ના રોજ આ અવનિ ઉપર અવતરેલ ગંધર્વ સમા ગરવા ગાયક મોહમ્‍મદ રફીએ સાયગલ સાહેબની સાથે ‘શાહજહાં' ફિલ્‍મમાં નૌશાદજી દ્વારા સ્‍વરબદ્ધ ગીત ‘જૂહી મેરી જૂહી' માં કોરસમાં ગાયા બાદ ૧૯૪૪ માં ૨૦ વર્ષની ઉમરે પ્રથમ પાર્શ્વગાયન કર્યું પંજાબી ફિલ્‍મ ‘ગુલબલોચ' માટે. ત્‍યાર બાદ એજ વર્ષે હિંદી ફિલ્‍મો ‘પહલે આપ' અને ‘ગાંવ કી ગોરી' માટે પણ પોતાનો કંઠ આપ્‍યો. આમ ૧૯૪૪ માં શરૂ થયેલ આ સ્‍વરયાત્રા એમનાં દેહાવસાન ૧૯૮૦ સુધી એટલે કે પૂરા ૩૬ વર્ષ સુધી સાતત્‍યપૂર્વક ચાલતી રહી.

રફીએ ગાયેલા ગીતોની આંકડાકીય માહીતી

ઓછી જાણીતી એવી થોડીક આંકડાકીય વિગતો ઉપર નજર ફેરવીએ તો આ સુ-દીર્ઘ સ્‍વરયાત્રા દરમ્‍યાન રફીસાહેબે ગાયેલા હિંદી ફિલ્‍મ ગીતોની સંખ્‍યા છે ૪૪૨૫ અને અન્‍યભાષી ફિલ્‍મી/નોનફિલ્‍મી રચનાઓની સંખ્‍યા છે ૬૩૮  આમ, બંને થઈને તમામ પ્રકારની કુલ ૫૦૬૩ રચનાઓમાં રફી સાહેબનો સ્‍વર સંભળાયો, સચવાયો.

રફીસાહેબે સૌથી વધુ ગીતો અભિનેતા શમ્‍મીકપુર માટે ૧૯૦ ગીતો ગાયાં. પછીના ક્રમે આવે છે જોની વોકર : ૧૫૫ ગીતો. રફીસાહેબે જેમના માટે ૧૦૦ કે તેથી વધું ગીતો ગાયેલ હોય તેવા કુલ ૭ અભિનેતાઓમાં (૧) શમ્‍મીકપુર૧૯૦ (૨) જ્‍હોની વોકર ૧૫૫ (૩) શશીકપુર ૧૨૯ (૪) રાજેન્‍દ્રકુમાર ૧૧૨ (૫)  ધર્મેન્‍દ્ર ૧૦૯ (૬) દેવ આનંદ ૧૦૦ (૭) જિતેન્‍દ્ર ૧૦૦. આ બધા અભિનેતાઓ તો ઠીક, પણ ? કિશોરકુમાર જેવા દિગ્‍ગજ ગાયકને પણ રફીસાહેબે બે ફિલ્‍મોમાં પોતાનો કંઠ આપ્‍યો છે, શરારત અને રાગીનીમાં.

નારીસ્‍વર સાથે રફીસાહેબે સૌથી વધુ યુગલગીતો આશાભોંસલે સાથે ૭૯૬ ગીતોઃ ગાયાં. પછીના ક્રમે આવે છે લતા મંગેશકર ૪૧૧ ગીતો. રફીસાહેબે સૌથી વધુ ગીતો સંગીતકાર લક્ષ્મીકાંત-પ્‍યારેલાલનાં સંગીત નિર્દેશનમાં-૩૬૯ ગીતો ગાયાં. પછીના ક્રમે આવે છે શંકર જયકિશન કે જેમના ૩૪૧ ગીતો. રફીસાહેબે સૌથી વધુ ગીતો ગીતકાર આનંદબક્ષીનાં ૩૬૯- ગીતોને પોતાનો કંઠ આપ્‍યો. પછીના ક્રમે આવે છે હસરત જયપુરી ૨૯૦ ગીતો.

રફીસાહેબ અલ્લાહનો ઓલિયો!

તેમણે કદી પૈસાને મહત્‍વ ન આપ્‍યું. લક્ષ્મીકાંત- પ્‍યારેલાલ, શંકર- જયકિશન, કલ્‍યાણજી વીરજી શાહ, મદન મોહન, રોશન, સચીન દેવ બર્મન જેવા દિગ્‍ગજ સંગીતકારો માટે પ્રથમ વખત ગીત ગાવા માટે રફીસાહેબે એક પૈસોય લીધો ન હતો. મુંબઈમાં ઈસ્‍કોન મંદિરનાં ઓડિટોરિયમનાં બાંધકામ માટે ફંડ ઊભું કરવા યોજાયેલ ‘શંકર જયકિશન નાઈટ'માં રફીસાહેબ/મન્નાડે/મુકેશ આદિ ગાયકો સામેલ હતા. બીજા દિવસે ઈસ્‍કોનના સ્‍વામી હરિદાસ  આભાર પ્રગટ કરવા ‘રફી વિલા' ગયા ત્‍યારે રફીસાહેબે પૂછયું  સ્‍વામીજી! કેટલો ફાળો થયો? સ્‍વામીજી બોલ્‍યા પોણો લાખ!  આ સાંભળીને રફીસાહેબ અંદર જઈને ચેકબૂક લઈ આવ્‍યા અને રૂ.૨૫૦૦૦/=નો ચેક સ્‍વામીજીને આપતાં બોલ્‍યા આવા નેક કામ માટે કમસે કમ લાખ રૂપિયા તો થવા જોઈએને? રફીસાહેબની દિલાવરી, સેવાપરાયણતા અને માનવતાવાદી વિચારસરણીના આવા તો અસંખ્‍ય કિસ્‍સાઓ હજુ પણ ચર્ચાયા કરે છે બોલીવુડમાં.

રફીસાહેબનાં દેહાવસાનનાં ૩ દિવસ અગાઉ એટલે કે ૨૮ જૂલાઈ,૧૯૮૦ ના રોજ તેમણે જેઓમપ્રકાશની ફિલ્‍મ ‘આસપાસ' માટે ધર્મેન્‍દ્રએ ગાયેલ અને લક્ષ્મીકાંત-પ્‍યારેલાલે સ્‍વરબદ્ધ કરેલ ગીતનું રેર્કોડિંગ કર્યું. રફીસાહેબે ગાયેલ એ અંતિમ ગીતના આનંદબક્ષીના શબ્‍દો પણ કેવા અર્થપૂર્ણ?

તેરે આને કી આસ હૈ દોસ્‍ત !

શામ ફિર કયોં ઉદાસ હૈ દોસ્‍ત !

મહકી મહકી ફિઝા યે કહતી હૈ,

તું કહી આસપાસ  હૈ દોસ્‍ત !

૧૯૬૫ માં પદ્મશ્રી એવોર્ડથી સન્‍માનિત રફીસાહેબને ૧૯૬૮માં ફિલ્‍મ ‘નીલકમલ'નાં ગીત ‘બાબુલ કી દુવાએ લેતી જા' માટે નેશનલ એવોર્ડ મળેલ. આ ઉપરાંત જે ગીતો માટે રફીસાહેબને ૬ વખત ‘ફિલ્‍મફેર એવોર્ડ' મળેલ તેમાં (૧) ચૌદવી કા ચાંદ હો' શીર્ષકગીતઃ ૧૯૬૦,  (૨) તેરી પ્‍યારી પ્‍યારી સુરત કો ફિલ્‍મ- ‘સસુરાલ' ૧૯૬૧ (૩) ‘ચાહુંગા મૈં તુજે  સાંજ સબેરે ફિલ્‍મ ‘દોસ્‍તી' ૧૯૬૪  (૪) બહારો ફૂલ બરસાઓ ફિલ્‍મ ‘સૂરજ' ૧૯૬૬ (૫) દિલ કે ઝરોખોં મેં ફિલ્‍મ ‘બ્રહ્મચારી ૧૯૬૮ (૬) કયા હુઆ તેરા વાદા ફિલ્‍મ ‘હમ કિસી સે કમ નહીં' ૧૯૭૭.

‘લૈલા મજનુ' ‘જુગનુ' તથા‘સમાજ કો બદલ ડાલો' આ ૩ ફિલ્‍મોમાં નાનકડી ભૂમિકા ભજવીને પડદા પર અભિનયનાં અજવાળાં પણ પાથરી જનાર રફીસાહેબ મુંબઈ ખાતે રહેતા એ વિસ્‍તારને બાંદરા સ્‍ટેશન જંકશનને ૧૯૮૬ માં નામ અપાયું છે ‘પદ્મશ્રી મોહમ્‍મદ રફી ચોક' રફીસાહેબે ગાયેલ જીવનનું અંતિમ ગીત ગીતકાર આનંદબક્ષએ લખ્‍યું. એ જ આનંદબક્ષીએ રફીસાહેબનાં અવસાનનાં દસેક વર્ષ બાદ ૧૯૯૦ માં આવેલ ફિલ્‍મ ‘ક્રોધ' માટે એમને અંજલિ અર્પતું ગીત પણ લખ્‍યું. લક્ષ્મીકાંત-પ્‍યારેલાલે સ્‍વરબદ્ધ કરેલ અને મોહમ્‍મદ અઝીઝ દ્વારા ગવાયેલ એ ગીતના બે અંતરા જોઈએ તો..

ન ફનકાર તુજ સા તેરે બાદ આયા,

મોહમ્‍મદ રફી તું બહોત યાદ આયા.

 

સૂરો કી સૂરીલી વો પરવાઝ તેરી,

બહોત ખુભસૂરતથી આવાઝ તેરી,

જમાને કો જિસ ને દિવાના બનાયા,

મોહમ્‍મદ રફી તું બહોત યાદ આયા

 

ચલે જાયેંગે હમ મુસાફિર હૈ સારે,

મગર ઈક શિકવા હૈ લબ પે હમારે.

તુજે કિતના જલ્‍દી ખુદા ને બુલાયા,

મોહમ્‍મદ રફી તું બહોત યાદ આયા.

આ હતી રફીસાહેબની હિંદી ફિલ્‍મ - ગીતોની ભાતીગળ યાત્રાની એક ઝલક!

રફીસાહેબ સાથે જોડાયેલ ગુજરાત અને ગુજરાતી

ગુજરાતમાં રફીસાહેબના લાખો ચાહકો છે, જે પૈકી ખાસ ઉલ્લેખપાત્ર છે અમદાવાદના બે ‘રફીભક્‍ત' એક છે શ્રી ઉમેશ માખીજા, જેમનાં નિવાસસ્‍થાને આલીશાન ‘રફી મંદિર' છે અને ત્‍યાં રોજ બે ટાઈમ રફીસાહેબની આરતી ઉતારાય છે. અન્‍ય છે શ્રી વસંતકુમાર સિંધવ, જેમનાં નિવાસસ્‍થાને રફીસાહેબે ગાયેલ તમામે તમામ ગીતોની રેકર્ડ/કેસેટ/જરૂરી વિગતો સાથેની એક આલાગ્રાન્‍ડ ‘રફી લાયબ્રેરી' છે. ઉક્‍ત બંને રફી-ચાહકોનાં મોબાઈલના રીંગટોનમાં રફીસાહેબે ગાયેલ ગીતો જ ગૂંજ્‍યાં કરતાં હોય છે.

રફીસાહેબ અને ગુજરાતી ગીતો

સૌ પ્રથમ ૧૯૬૦માં અવિનાશ વ્‍યાસ રફીસાહેબને પોતાનાં ગીત/સંગીત વાળી ફિલ્‍મ ‘ઘર દીવડી'માં પાર્શ્વગાયન માટે લઈ આવ્‍યા. ‘ઘર દીવડી' માટે ત્રણ યુગલગીત સુમન કલ્‍યાણપુર સાથે રફીસાહેબે ગાયાં. આમ,ગુજરાતી ફિલ્‍મોમાં પાર્શ્વગાયન ક્ષેત્રે રફીસાહેબનું આ રીતે મંગલાચરણ ૧૯૬૦માં થયું. રફીસાહેબે ગુજરાતી ફિલ્‍મો માટે છેલ્લે પોતાનાં અવસાનનાં આગલાં વર્ષે એટલે કે ૧૯૭૯ માં સંગીતકાર સુરેશકુમારે સ્‍વરાંકિત કરેલ ગીત ફિલ્‍મ ‘રાજપૂતાણી' માટે ગાયેલ. આમ ૧૯૬૦ થી ૧૯૭૯ સુધીના આશરે બે દાયકા દરમ્‍યાન રફીસાહેબે કુલ ૧૫  ફિલ્‍મોમાં (એકલ ગીત/યુગલગીત સહિત કુલ) ૨૩ ગીતો ગુજરાતી ફિલ્‍મો માટે ગાયેલ. આ ૨૩ પૈકી થોડાંક ગીતોની ઝલક માણીએ...

(૧) એક બાજુ નર,બીજી બાજુ ખર ( ઘરદીવડી-૧૯૬૦-સુમનજી સાથે) (૨)  નયન ચકચૂર છે (મહેંદી રંગ લાગ્‍યો-૧૯૬૦ લતાજી સાથે) (૩) મુબારક તમોને એ રૂપિયાની (ચૂંદડી-ચોખા -૧૯૬૦) (૪) મીઠડી નજરું લાગી (સત્‍યવાન સાવિત્રી-૧૯૬૩) (૫)  રોજ પ્રભાતે જ્‍યોત પ્રગટે (રમત રમાડે રામ-૧૯૬૪) (૬) કર્મની ગત કોણે જાણી (મોટી બા-૧૯૬૬) (૭)અભાગી નયન વાટ કોની જુએ છે  (હબંધન-૧૯૬૭) (૮) જડ જગત તું રે (સતી જસમા ઓડણ-૧૯૭૬) (૧૦) ચિતડાંની ચાંદનીમાં આવ (ચંદુ જમાદાર-૧૯૭૭) (૧૧) જય જય ગોપાલ બોલો (જનમ જનમના સાથી-૧૯૭૭) (૧૨) કંધોતર દીકરાની મોંઘી જનેતા (પિયરવાટ-૧૯૭૮) (૧૩) નેણ કયારે મળે, હું ના જાણું (રાજપૂતાણી -૧૯૭૯)

રફીસાહેબે ગાયેલ બિનફિલ્‍મી ગુજરાતી રચનાઓ કદાચ માત્ર ૩ જ છે.  (૧) કહું છું જુવાનીને પાછી વળી જા, કે ઘડપણનું ઘર મારું આવી ગયું છે. અવિનાશ વ્‍યાસનું સ્‍વરાંકન અને શબ્‍દાંકન. (૨) ભૂલેચૂકે મળે તો મુલાકાત માગશું, શણગારવા હ્રદયને આઘાત માગશું ラ બદરી કાચવાલાની રચના. (૩) દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્‍વજન સુધી ラ ગની દહીંવાલાની આ રમ્‍ય રચના. તાજેતરમાં દિવંગત થયેલ ‘સૂરોત્તમ'  પુરુષોત્તમ ઉપાધ્‍યાયનું આ મીઠડું સ્‍વરાંકન.

આમ,૨૩ ફિલ્‍મી અને ૩ નોનફિલ્‍મી સહિત કુલ ૨૬ ગુજરાતી રચનાઓમાં રફીસાહેબનો સ્‍વર ગુંજ્‍યો. અંતમાં, રફીસાહેબે ગાયેલ ઉક્‍ત સ્‍મરણીય, રમણીય રચનાના જ બે  શેર સાથે સલામ પાઠવીએ રફીસાહેબની સ્‍વરચેતનાનેઃ

‘દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી,

મારો હાથ ઝાલીને લઈ જશે મુજ શત્રુઓ જ સ્‍વજન સુધી

 

ન ધરા સુધી, ન ગગન સુધી,નહીં ઉન્નતિ, ન પતન સુધી,

બસ આપણે તો જવું હતું એકમેકનાં મન સુધી.

 

જો હ્રદયની આગ વધી ‘ગની' ખુદ ઈશ્વરે જ કળપા કરી,

કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. દિવસો જુદાઈના જાય છે...! (અસ્‍તુ)

આ આલેખમાં દર્શાવાયેલ આંકડાકીય  વિગતો માટે ૩ ગ્રંથોનો સાભાર આધાર લીધેલ છે. (૧) મુહમ્‍મદ રફીઃ અશોક દવ, (૨) મોહમ્‍મદ રફી : સુજાતા દવે, (૩)   મોહમ્‍મદ રફી : રાજુ કોર્તી એન્‍ડ ધીરેન્‍દ્ર જાની.

- આર. પી. જોશી,  રાજકોટ, ફોન ૬૩૫૩૫ ૯૪૯૨૦

(11:19 AM IST)