<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

ઊંચા પહાડી રાજ્યોમાં ઠંડી વધશે :પંજાબ-હરિયાણાના અનેક જિલ્લાઓમાં કોલ્ડવેવ એલર્ટ: ગુજરાતમાં વરસાદની આગાહી

દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી: હિમાચલ પ્રદેશમાં શીત લહેરની અસર નીચલા પહાડી વિસ્તારોમાં પહોંચી

જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઊંચા પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના કારણે રાત્રિ દરમિયાન ઠંડી પડી રહી છે. આજના હવામાનની વાત કરીએ તો દિલ્હી એનસીઆરના હવામાનમાં ફેરફારની સંભાવના છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની આગાહી પણ જારી કરવામાં આવી છે. પંજાબના ભટિંડા, અંબાલા અને બરનાલામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આગામી 26થી 28 ડિસેમ્બર દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. જેમાં 26 ડિસેમ્બરે કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદામાં માવઠું થઇ શકે છે. 27 ડિસેમ્બરે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ થઇ શકે છે. 28 ડિસેમ્બરે કચ્છ, છોટાઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની શક્યતા છે.

જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં ઠંડી સૌથી વધુ જોવા મળી રહી છે. શ્રીનગરમાં જ્યાં શુક્રવારે તાપમાન માઈનસ 8.5 ડિગ્રી હતું. જ્યારે શનિવારે રાત્રે માઈનસ 4.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જમ્મુમાં દિવસભર તડકો રહ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ક્રિસમસ બાદ 27-28 ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ રહેશે.

દિલ્હી એનસીઆરની વાત કરીએ તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે હવામાનમાં ફેરફારની સંભાવના છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વરસાદની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. નજફગઢ, લોધી રોડ, પાલમ, નરેલા, સફદરજંગ, પિતામપુરા, પ્રગતિ મેદાન, પુસા અને રાજઘાટ જેવા વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, જેના કારણે તાપમાનમાં થોડો ઘટાડો થઈ શકે છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ પણ રહેશે.

પંજાબના ભટિંડા, અમૃતસર, હોશિયારપુર, અંબાલા અને બરનાલામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હરિયાણાના ચંદીગઢ, ફરીદાબાદ, ગુરુગ્રામ, હિસાર અને આસપાસના વિસ્તારોમાં કોલ્ડ વેવ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

હિમાચલ પ્રદેશમાં શીત લહેરની અસર નીચલા પહાડી વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. સ્થાનિક હવામાન વિભાગે બિલાસપુર, ઉના, હમીરપુર અને મંડી જિલ્લામાં તીવ્ર ઠંડીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યાં શનિવારે રાત્રે તાપમાન માઈનસ 11.6 ડિગ્રીએ પહોંચ્યું હતું.

ઉત્તરાખંડના દેહરાદૂન સહિત મોટાભાગના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી હવામાન શુષ્ક રહ્યું છે. દૂનમાં શુષ્ક ઋતુ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધારે છે અને લઘુત્તમ તાપમાન સામાન્ય રહે છે. પહાડી વિસ્તારોમાં કેટલીક જગ્યાએ હિમ પડતાં મુશ્કેલી વધી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો સુધી મોટાભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 27 ડિસેમ્બરથી વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

(1:21 PM IST)