<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 23rd December 2024

પ્રજાસત્તાક દિવસની પરેડમાં દિલ્હીની ઝાંખી ફરી ફગાવી : કેજરીવાલ અને ભાજપે એકબીજા પર નિશાન સાધ્યું

કેજરીવાલે ભાજપ પર દિલ્હીવાસીઓને નફરત કરવાનો આરોપ લગાવ્યો, ભાજપે વળતો પ્રહાર કર્યો.

 નવી દિલ્હી :દર વર્ષે પ્રજાસત્તાક દિવસે રાજપથ પર યોજાતી પરેડ માટે દિલ્હીની ઝાંખીને ફરીથી નકારી કાઢવામાં આવી છે. સતત ચોથા વર્ષે, પરેડ માટે દિલ્હીની ઝાંખીને નકારી કાઢવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીની ઝાંખીને નકારી કાઢવામાં આવ્યા બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આ મુદ્દે AAP અને BJP આમને-સામને છે.

 

રાજપથ પરેડ માટે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રની ઝાંખીને નકારી કાઢવામાં આવ્યા બાદ, AAPના સંયોજક અને પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી, દિલ્હીના ઝાંખીને પરેડમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. આ કેવું રાજકારણ છે? તેઓ દિલ્હીના લોકોને આટલી બધી નફરત કેમ કરે છે? દિલ્હીની જનતા તેમને શા માટે વોટ આપે?

ભાજપ પર પ્રહાર કરતા પૂર્વ સીએમ કેજરીવાલે કહ્યું કે તેમની પાસે દિલ્હીના લોકો માટે કોઈ વિઝન નથી. તેઓ માત્ર કેજરીવાલને ગાળો આપે છે. શું આપણે ફક્ત આ માટે જ તેને મત આપવો જોઈએ? તેમણે કહ્યું કે દિલ્હી ભારતની રાજધાની છે અને તેને દર વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં ભાગ લેવાથી કેમ અટકાવવામાં આવે છે?

 

અરવિંદ કેજરીવાલના આરોપોનો ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી બીજેપીના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું: હું તેમને પૂછવા માંગુ છું કે તેઓ (દિલ્હીના ટેબ્લોમાં) શું દર્શાવવા માંગે છે. મોટાપાયે જળબંબાકાર કે જેમાં 60થી વધુ લોકોના મોત થયા કે પછી લોકોના પૈસા લૂંટીને તેમણે બનાવેલો 'શીશમહેલ'. ભાજપ અધ્યક્ષે સ્પષ્ટતા કરી કે ગણતંત્ર દિવસની પરેડમાં સમગ્ર દેશની ઝાંખી પ્રદર્શિત કરવામાં આવે છે. ટેબ્લો એક સમિતિ દ્વારા નક્કી કરવામાં આવે છે. હવે અરવિંદ કેજરીવાલ આમાં પણ રાજનીતિ કરવા માંગે છે. અમે 2014 ના ગણતંત્ર દિવસને ભૂલ્યા નથી, જ્યારે અરવિંદ કેજરીવાલે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

(2:12 PM IST)