News of Wednesday, 25th December 2024
કોર્ટમાં સુનાવણી દરમ્યાન કાળોતરો નાગ નીકળ્યો : જજ સાહેબ ખુરશી છોડી ભાગ્યા
મુંબઈ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સાપ નિકળ્યો : કોર્ટ રૂમમાં અફરાતફરી થઈ ગઈ હતી, થોડીવાર માટે કોર્ટની કામગીરી બંધ કરવામાં આવી

મુંબઈ, તા.૨૫: મહારાષ્ટ્રના મુંબઈના એક કોર્ટ રૂમમાં અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. જ્યાં સુનવણી દરમિયાન કોર્ટની ફાઈલમાંથી સાપ નીકળ્યો હતો. જેને કારણે કોર્ટરૂમમાં અફરાતફરી થઈ ગઈ હતી. જેને કારણે થોડા સમય માટે કોર્ટની કામગીરી બંધ કરવામાં આવી હતી અને જજ ખુરશી છોડીને ઉભા થઈ ગયા હતા. આ ઘટના મંગળવારે થઈ હતી તેવું જણાવવામાં આવી રહયું છે.
મુલુંડમાં મેજિસ્ટ્રેટ કોર્ટ રૂમ નંબર ૨૭માં બપોરના સમયે સામાન્ય કામકાજ ચાલી રહ્યું હતું. આ વચ્ચે એક પોલીસકર્મી ફાઈલને સુનવણી દરમિયાન શોધી રહ્યો હતો. ત્યારે આ ફાઈલો વચ્ચેથી ૨ ફૂટ લાંબો સાપ દેખાયો હતો. ત્યારબાદ તેણે ફાઈલ ફેંકી દીધી હતી. અને કોર્ટરૂમમાં અફરાતફરી થઈ ગઈ હતી.
કોર્ટ રૂમમાં હાજર એક વકીલે કહયું કે આ ઘટનાથી કોર્ટ રૂમમાં હાજર લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, જેના કારણે જજે થોડા સમય માટે કાર્યવાહી રોકવી પડી હતી. સાપ પકડનારાઓને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા અને તેઓએ જૂની ફાઇલોથી ભરેલો કોર્ટ રૂમ અને દિવાલો અને ફ્લોરમાં રહેલા છિદ્રોની તપાસ કરી હતી. પરંતુ સાપ મળ્યો ન હતો.
વકીલના કહેવા પ્રમાણે, સાપ રૂમના કોઈ ખાડામાં ઘૂસી ગયો હતો. આ સાથે જ એક કલાક બાદ ફરી કોર્ટની કાર્યવાહી શરૂ થઈ હતી. વકીલે કહ્યું કે કોર્ટ વનસ્પતિ વિસ્તારથી ઘેરાયેલી છે. આના એક દિવસ પહેલા કોર્ટ રૂમની બારી પાસે સાપ જોવા મળ્યો હતો. આના બે મહિના પહેલા જજની ચેમ્બરમાં પણ એક સાપ જોવા મળ્યો હતો.
(10:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
