<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 26th December 2024

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન, દિલ્હી AIIMSમાં લીધા અંતિમ શ્વાસ

પૂર્વ પીએમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરાયા હતા : શુક્રવારે કર્ણાટકમાં યોજાનારી કોંગ્રેસની રેલી રદ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું ગુરૂવારે નિધન થયું છે. તેમની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તેઓ 92 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા.

   મળતી માહિતી મુજબ મનમોહન સિંહની વર્ષ 2006માં બીજી વખત બાયપાસ સર્જરી કરવામાં આવી હતી, જે બાદ તેઓ ખૂબ જ બીમાર હતા. ગુરુવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ અને બેચેની બાદ એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનો જન્મ 26 સપ્ટેમ્બર 1932ના રોજ ગાહ, પશ્ચિમ પંજાબ (હવે પાકિસ્તાનમાં)માં થયો હતો.

   તેઓ 2004 થી 2014 સુધી બે વખત દેશના વડાપ્રધાન રહ્યા હતા અને તેમની ગણના ભારતના મહાન અર્થશાસ્ત્રીઓમાં થતી હતી. તેમણે ચંદીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગ્રેટ બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડોક્ટરેટની પદવી મેળવી. મનમોહન સિંહને તેમના સરળ અને શાંત સ્વભાવ માટે હંમેશા યાદ કરવામાં આવશે. વર્ષ 2006માં ફરીથી બાયપાસ સર્જરી કરવામાં આવી 

   મળતી માહિતી મુજબ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે 2006માં ફરી બાયપાસ સર્જરી કરાવી હતી. જેના માટે મુંબઈથી નિષ્ણાત ડોક્ટર રમાકાંત પાંડાને બોલાવવામાં આવ્યા હતા. આ સિવાય તેમને કોરોનાના સમયગાળા દરમિયાન પણ કોવિડ થયો હતો, ત્યારબાદ તેમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુરુવારે લગભગ 8 વાગે તેમને દિલ્હીની AIIMS ઈમરજન્સીમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં લગભગ અડધા કલાક પછી તેમનું મોત થઈ ગયું.

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધન બાદ શુક્રવારે કર્ણાટકમાં યોજાનારી કોંગ્રેસની રેલી રદ કરવામાં આવી છે.

(10:13 PM IST)