News of Friday, 27th December 2024
હરભજનસિંહે પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો: સેહવાગ-યુવરાજસિંહે પણ આપી શ્રદ્ધાંજલિ
હરભજને લખ્યું, “કટોકટીના સમયમાં તેમનું શાંત અને સ્થિર નેતૃત્વ, જટિલ રાજકીય પરિદ્રશ્યને સંભાળવું અને ભારતની સંભવિતતામાં તેમનો સતત વિશ્વાસ એ તેમને અલગ બનાવે છે

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહના નિધનના સમાચારથી સમગ્ર દેશ શોકમાં ડૂબી ગયો છે. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.સિંઘનું 92 વર્ષની વયે બીમારીના કારણે નિધન થયું હતું. ગુરુવારે 26 ડિસેમ્બરે, તેમણે નવી દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ગુરુવારે રાત્રે 9.51 કલાકે એમ્સમાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ડૉ.સિંઘના નિધન બાદ દરેક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ભારતીય સ્પોર્ટ્સ સ્ટાર્સે પણ પૂર્વ વડાપ્રધાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ, હરભજન સિંહ સહિત ઘણા ખેલાડીઓએ તેમને યાદ કર્યા.
અનુભવી ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે સોશિયલ મીડિયા પર મનમોહન સિંહ સાથેની તેમની તસવીરો પોસ્ટ કરી અને તેમના માટે ભાવનાત્મક શ્રદ્ધાંજલિ સંદેશ પણ લખ્યો. તેમના નિધનને દુ:ખદ ગણાવતા હરભજને મનમોહન સિંહને એક સજ્જન અને દૂરંદેશી નેતા ગણાવ્યા હતા. હરભજને આગળ લખ્યું, “કટોકટીના સમયમાં તેમનું શાંત અને સ્થિર નેતૃત્વ, જટિલ રાજકીય પરિદ્રશ્યને સંભાળવું અને ભારતની સંભવિતતામાં તેમનો સતત વિશ્વાસ એ તેમને અલગ બનાવે છે. ડોકટર સાહેબના યોગદાનને દેશ હંમેશા યાદ રાખશે. તેમના પરિવાર અને સંબંધીઓ પ્રત્યે મારી સંવેદના.”
ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક ઓપનર વીરેન્દ્ર સેહવાગે પણ ડૉ.સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો અને તેમને યાદ કર્યા. સેહવાગે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, "પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જીને તેમના નિધન પર મારી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ."
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. યુવરાજે લખ્યું, “એક સ્વપ્નદ્રષ્ટા અને સાચા રાજકારણી, જેમણે ભારતની પ્રગતિ માટે સતત પ્રયત્નો કર્યા. તેમનું જ્ઞાન અને સાદગી હંમેશા યાદ રહેશે. તેમના પ્રિયજનો પ્રત્યે મારી સંવેદના.”
(12:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
