News of Saturday, 28th December 2024
'જબ તક સૂરજ ચાંદ રહેગા….અમર રહો ...' 'નારા સાથે મનમોહન સિંહના અંતિમ સંસ્કાર
દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરાયા :અત્યેષ્ટીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ,પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેલા

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પંચતત્વમાં વિલીન થઈ ગયા. દિલ્હીના નિગમ બોધ ઘાટ ખાતે તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યાં. અત્યેષ્ટીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેલા.
'જબ તક સૂરજ ચાંદ રહેગા', 'અમર રહે' સહિતના નારા વચ્ચે ભૂતપૂર્વ PM મનમોહન સિંહના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
તેમના પાર્થિવ દેહને ફૂલોથી સજાવેલ વાહનમાં તેમના નિવાસસ્થાનથી કોંગ્રેસ કાર્યાલય લઈ જવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘાટ પર લઈ જવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય પ્રધાનો તથા ભાજપના ટોચના નેતાઓ, કોંગ્રેસ નેતાઓ તથા ગાંધી પરિવારના સભ્યોએ ભૂતપૂર્વ વડાપ્રધાનને શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઔપચારિક ગાર્ડ ઓફ ઓનર બાદ 21 તોપોની સલામી સાથે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મનમોહન સિંહનું ગુરુવારે રાત્રે નિધન થયું હતું. પૂર્વ પીએમની તબિયત બગડ્યા બાદ ગુરુવારે સાંજે તેમને દિલ્હીની એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
92 વર્ષીય સિંહને હૃદય સંબંધિત સમસ્યાઓના કારણે હોસ્પિટલના ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી પરંતુ બાદમાં તેમના મૃત્યુના સમાચાર સામે આવ્યા હતા. મનમોહન સિંહે ગુરુવારે રાત્રે 9.51 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.
.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
