<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 29th December 2024

‌આગામી ત્રણ દાયકામાં માનવજાતનો સફાયો કરી નાખશે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ...', AIના ગોડફાધર હિંટનની દુનિયાને ચેતવણી

નોબેલ પુરસ્‍કાર વિજેતા જેફ્રી હિંટન કહે છે AI ના વિકાસની ગતિ મારી ધારણા કરતા વધુ ઝડપી છે, માત્ર નફાના ઉદ્દેશયથી ચાલતી મોટી કંપનીઓ પર નિર્ભર રહેવાથી AI નો સુરક્ષિત વિકાસ સુનિશ્‍ચિત થશે નહીં

નવી દિલ્‍હીઃ જો વિજ્ઞાનનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે મનુષ્યની તમામ સમસ્યાઓ દૂર કરી શકે છે પરંતુ જો તેનો નિયંત્રણ વિના ઉપયોગ કરવામાં આવે તો તે તબાહીનું કારણ પણ બની શકે છે. હાલમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)નો જે રીતે આડેધડ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તેને જોતા AIના ગોડફાધર અને નોબેલ પુરસ્કાર વિજેતા જેફ્રી હિંટને તેની ભયંકર આડઅસરોને લઈને દુનિયાને ચેતવી છે. 

તેમણે કહ્યું કે, એ વાતની 10થી 20% આશંકા છે કે, આ ટેક્નોલોજી આગામી 30 વર્ષોમાં માનવતાના સફાયાનું કારણ બની શકે છે. હિંટને અગાઉ કહ્યું હતું કે AIના કારણે માનવતાના સફાયાની 10% આશંકા છે. પરંતુ જે રીતે નિયંત્રણ વિના AI નો ઉપયોગ વધી રહ્યો છે તેનાથી ખતરો પણ વધી ગયો છે. જેફ્રી હિંટને મશીન લર્નિંગને શક્ય બનાવે તેવી શોધ કરવા બદલ અમેરિકાના જાન હાપફિલ્ડ સાથે આ વર્ષનો ફિઝિક્સનો નોબેલ પુરસ્કાર મળ્યો છે.

હિંટને ગત વર્ષે ગૂગલ છોડી દીધું હતું જેથી તે AIના જોખમો વિશે ખુલીને વાત કરી શકે. 1947માં લંડનમાં જન્મેલા હિંટને 1978માં યુનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી પીએચડી કર્યું હતું. તેઓ કેનેડાની ટોરેન્ટો યુનિવર્સિટીમાં એમેરિટસ પ્રોફેસર છે.

એક ઈન્ટરવ્યુમાં હિંટનને પૂછવામાં આવ્યું કે, શું AIની વિનાશક અસર અંગેના તમારા વિચારો બદલાયા છે? તો તેમણે કહ્યું કે ના. AIના કારણે માનવતાના સફાયાની આશંકા 10થી 20% વધી ગઈ છે.

હિંટને પલટવાર કરતા સવાલ કર્યો હતો કે, શું તમે સાંભળ્યું છે કે વધુ બુદ્ધિશાળીઓને ઓછા બુદ્ધિશાળી લોકો નિયંત્રિત કરે છે? આવા ઉદાહરણો બહુ ઓછા છે. તેમણે ચેતવણી આપી કે દુષ્ટ લોકો નુકસાન પહોંચાડવા માટે AIનો દુરુપયોગ કરી શકે છે. હિંટને કહ્યું કે, નિષ્ણાતોને ડર છે કે ભવિષ્યમાં AI ટેક્નોલોજી મનુષ્યો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. તે અંગે વિચારીને પણ મને ડર લાગે છે.

હિંટને AIને નિયંત્રિત કરવાની જરૂરિયાત વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, AIના વિકાસની ગતિ મારી ધારણા કરતાં ઘણી ઝડપી છે. માત્ર નફાના ઉદ્દેશ્યથી ચાલતી મોટી કંપનીઓ પર નિર્ભર રહેવાથી AIનો સુરક્ષિત વિકાસ સુનિશ્ચિત નહીં થશે.

વિશ્વના વિવિધ દેશોની સરકારોએ કાયદો બનાવીને મોટી કંપનીઓને AIના સુરક્ષિત ઉપયોગ અને તેના જોખમોનો સામનો કરવા માટે સંશોધન કરવા માટે મજબૂર કરવી જોઈએ. AI ને નિયંત્રિત અને માનવતાના હિતમાં ઉપયોગમાં લેવું જોઈએ.

(4:07 PM IST)