<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

પાકિસ્તાનને મોટો ફટકો: તહરીક-એ-તાલિબાનના લડવૈયાઓએ સૈન્ય મથક પર કબજો કરી લીધો : જુઓ વિડિઓ

ટીટીપી લડવૈયાઓએ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના સાલારઝઈમાં લશ્કરી મથક પર કબજો કર્યો :અફઘાનિસ્તાનમાં પાકિસ્તાની વાયુસેનાના હુમલા બાદ બંને પક્ષો વચ્ચે સંઘર્ષ વધ્યો

https://x.com/KabulFrontline/status/1873654699582255491

અફઘાનિસ્તાનને અડીને આવેલા વિસ્તારોમાં પાકિસ્તાની સેના અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના લડવૈયાઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે TTPને મોટી સફળતા મળી છે. અફઘાન મીડિયાના અહેવાલો અનુસાર, TTPના લડવૈયાઓએ ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં સ્થિત સાલારઝઈમાં એક સૈન્ય મથક પર કબજો કરી લીધો છે.

ઉલ્લેખનીય છે કે અફઘાનિસ્તાનના પૂર્વ પક્તિકા પ્રાંતમાં પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના કથિત કેમ્પોને પાકિસ્તાની ફાઈટર પ્લેન્સે નિશાન બનાવ્યા ત્યારથી TTP લડવૈયાઓ પાકિસ્તાન સામે યુદ્ધ ચલાવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી બંને પક્ષો વચ્ચે ભીષણ ગોળીબાર થઈ રહ્યો છે.

પાકિસ્તાની મીડિયાએ સુરક્ષા સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે શુક્રવારે રાત્રે આતંકવાદીઓએ સરહદ પાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પાકિસ્તાની દળોએ તેમના પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ પછી, આતંકવાદીઓ અફઘાન દળોમાં જોડાયા અને શનિવારે સવારે હળવા અને ભારે હથિયારોથી પાકિસ્તાની સ્થાનો પર હુમલો કર્યો.

અફઘાન સેનાએ આતંકવાદીઓ સાથે મળીને ખોજગઢી, માથા સંગર, કોટ રાઘા અને તારી મેંગલ સહિત અનેક પાકિસ્તાની સરહદ ચોકીઓને નિશાન બનાવી હતી. હવે સાલારઝઈમાં લશ્કરી થાણા પર કબજો મેળવવો એ ટીટીપી માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે. મિલિટરી બેઝને કબજે કરવા સંબંધિત એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં ટીટીપી લડવૈયાઓ બેઝ પર હથિયારો લહેરાવતા જોવા મળે છે.

કાબુલ ફ્રન્ટલાઈને કબજે કરવામાં આવેલી પોસ્ટની વીડિયો ક્લિપ શેર કરતા કહ્યું કે,ટીટીપીએ બાજૌરના સાલારઝઈ વિસ્તારમાં સૈન્ય મથક પર કબજો કર્યો. તાજેતરના અહેવાલો અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ના લડવૈયાઓએ ખૈબર પખ્તુનખ્વાના બાજૌર જિલ્લામાં સ્થિત સાલારઝઈમાં એક સૈન્ય મથક પર કબજો કર્યો છે. તાજેતરના અઠવાડિયામાં ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરી દળો પર હુમલામાં વધારો થયો છે.

(12:04 AM IST)