News of Tuesday, 31st December 2024
પત્નીના નામ પર કાર, બાઈક, લોન લીધી, બાદમાં હપ્તા ન ભરવા પડે તો પત્નીને ઠેકાણે લગાવી દીધી
ચાલાક પતિની હોંશિયારી નીકળી ગઈ

કોડરમા, તા.૩૧: મોટા ભાગે પતિ પત્નીને ખુશ કરવા માટે તેના નામથી ગાડી, ઘર સહિત અન્ય જરૂરી અથવા કિંમતી સામાન ખરીદતા હોય છે. કેટલાય પતિ પત્નીને ગૃહલક્ષ્મી માનીને આવું કરતા હોય છે. પણ ઝારખંડના કોડરમામાંથી એક આવો કિસ્સો સામે આવ્યો છે, જયાં પત્નીના નામ પર ખરીદેલી ગાડી તેના મોતનું કારણ બની ગઈ. મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી આ ઘટનાનો પર્દાફાશ થયો છે, જે સત્ય સામે આવ્યું છે, તે જાણીને પોલીસના પણ હોશ ઉડી ગયા.
આ કિસ્સો કોડરમાના જયનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારના બિગહાનો છે. ગત ૫ ડિસેમ્બરની સવારે ઘાયલ અવસ્થામાં અમુક લોકોએ પતિ-પત્નીને સદર હોસ્પિટલે પહોંચાડ્યા હતા. સદર હોસ્પિટલમાં ડોક્ટર્સે તપાસ બાદ ૨૭ વર્ષિય મહિલા મોહિની દેવીને મૃત જાહેર કરી દીધી હતી, જયારે ૩૦ વર્ષિય કૃષ્ણા યાદવને પ્રાથમિક સારવાર બાદ રેફર કરી દીધો હતો. રોડ અકસ્માતમાં મહિલાનું મોત થયું હોવાનું જણાવતા પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
પોલીસને શંકા ત્યારે ગઈ, જયારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો, રિપોર્ટમાં ડોક્ટર્સે ગળું દબાવાથી મહિલાનું મોત થયું હોવાનો ખુલાસો કર્યો. તેનાથી સ્પષ્ટ થયું કે મહિલાનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ગળું દબાવીને થયું છે. મહિલાની હત્યાની વાત આવતા એસપી અનુદીપ સિંહ દ્વારા પોલીસ પદાધિકારી અને કોડરમા થાણા પ્રભારીના નેતૃત્વમાં સ્પેશિયલ તપાસ ટીમ બનાવી હતી.
એસપી કોડરમા દ્વારા સોમવારે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યું કે, તપાસ દરમ્યાન મૃતકનો પતિ કૃષ્ણા યાદવ સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, લગ્ન બાદ તેને તેની પત્ની સાથે વિવાદ થતો હતો. તે પોતાની પત્નીને પસંદ કરતો નહોતો. તેણે પત્નીના નામ પર બલેનો કાર, ટીવીએસ રાઈડર બાઈક અને જોઈન્ટ લોન લીધી હતી. આ બધાના હપ્તા ભરતો નહોતો. આ બાબતને લઈને તેના દોસ્તે સલાહ આપી હતી કે જો તેની પત્નીનું મોત થઈ જાય તો તેની તમામ લોન માફ થઈ જશે.
પોલીસના જણાવ્યા અનુસાર, ત્યાર બાદ કૃષ્ણા યાદવે પ્લાનિંગ કર્યું અને પત્નીને કારમાં લઈને ઘરેથી નીકળી ગયો. પત્નીની હત્યા માટે કૃષ્ણાએ ૨ વ્યક્તિ પાસે ૧ લાખ રૂપિયામાં ડીલ ફાઈનલ કરી હતી, જેમાં ૫૦ હજાર એડવાન્સ આપ્યા હતા. કાર કૃષ્ણા ચલાવી રહ્યો હતો, જયારે બાજુની સીટ પર તેની પત્ની બેઠી હતી. પાછળની સીટ પર કૃષ્ણાએ બંને સોપારી કિલરને પોતાના દોસ્ત બનાવીને બેસાડ્યા હતા. રસ્તામાં સુનસાન જગ્યા જોઈને પાછળ બેઠેલા બંને સોપારી કિલરે ગળું દબાવીને મોહિની દેવીની હત્યા કરી નાખી. ત્યાર બાદ તેને દુર્ઘટનાનું રૂપ આપવા માટે કૃષ્ણા પોતાની પત્ની સાથે સદર હોસ્પિટલે સારવાર માટે દાખલ કરવા લઈ ગયો હતો.
પોલીસે આ કેસમાં કૃષ્ણા યાદવ, મિન્હાજ અંસારી અને મો. સરફરાઝ અંસારીની ધરપકડ કરતા બલેનો કાર, એક ટીવીએસ બાઈક અને ત્રણ મોબાઈલ જપ્ત કર્યા છે.
(9:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
