<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 31st December 2024

હિલસ્‍ટેશન હાઉસફુલ...માથેરાન, મહાબળેશ્વર અને લોનાવલામાં સહેલાણીઓ ઊમટી પડયા

આજે થર્ટીફર્સ્‍ટ છે એટલે માથેરાનમાં મોટા પ્રમાણમાં નવા વર્ષનું સ્‍વાગત કરવા લોકો પહોંચવાની શકયતા છે

મુંબઈ, તા.૩૧: ક્રિસમસનું વેકેશન ચાલી રહયું છે ત્‍યારે શનિવારે અને રવિવારે મુંબઈગરાઓનાં ફેવરિટ પર્યટનસ્‍થળો પર આ બે દિવસ જબરદસ્‍ત ગિરદી જોવા મળી હતી. મહાબળેશ્વર અને લોનાવલામાં દર વર્ષની આ વખતે વીક-એન્‍ડમાં પણ ખૂબ ભીડ જામી હતી. જોકે મુંબઈની નજીક આવેલા હિલસ્‍ટેશન માથેરાનમાં મોટી સંખ્‍યામાં લોકો પહોંચતાં શનિવારે અને વાહનોની લાંબી લાઇનો જોવા મળી હતી. એટલું જ નહીં, માથેરાનમાં એકસાથે ૧૨,૦૦૦થી વધુ લોકો પહોંચી જતાં બધું હાઉસફુલ થઈ ગયું હતું. માથેરાનના દસ્‍તૂરી પૉઇન્‍ટ પર વાહનોનું પાર્કિંગ ફુલ થઈ ગયું હતું એટલે નેરળથી માથેરાન તરફ જનારી કારોને રસ્‍તામાં જ રોકી દેવામાં આવતાં લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. જેઓ ચાલી શકે એમ હતા તેઓ ચાલીને અઢી કિલોમીટરનો રસ્‍તો કાપીને માથેરાન પહોંચ્‍યા હતા. ચાલીને દસ્‍તૂરી પૉઇન્‍ટ સુધી પહોંચી ન શકનારા લોકોએ નાછૂટકે પાછા ફરવું પડયું હતું. ક્રિસમસ વીક-એન્‍ડની જેમ થર્ટીફર્સ્‌ટ અને નવા વર્ષમાં પણ માથેરાનમાં આવી જ હાલત થવાની શકયતા છે.

માથેરાન નગરપરિષદના એક અધિકારીના જણાવ્‍યા મુજબ શનિવારે માથેરાનમાં એકસાથે ૧૨,૦૦૦ જેટલા પર્યટકો પહોંચી જવાને લીધે ભારે ગિરદી થઈ ગઈ હતી. તમામ હોટેલો પૅક થઈ ગઈ હતી. ક્રિસમસના વેકેશનમાં સામાન્‍ય રીતે પર્યટકોની સારીએવી હાજરી અહીં હોય છે, પણ આ વખતે સામાન્‍ય કરતાં લગભગ ડબલ લોકો પહોંચી ગયા હતા. આ વખતે અહીં ઠંડી પણ સારી પડી રહી છે એટલે વીક-એન્‍ડમાં ઠંડીની મજા માણવા મોટી સંખ્‍યામાં પર્યટકો મુંબઈ અને પુણેથી અહીં આવ્‍યા હતા.

આજે  થર્ટીફર્સટ છે એટલે માથેરાનમાં મોટા પ્રમાણમાં નવા વર્ષનું સ્‍વાગત કરવા લોકો પહોંચવાની શકયતા છે. આથી આ સમયે પણ શનિવાર અને રવિવારની જેમ માથેરાન ઘાટ પર ટ્રાફિક-જૅમ થઈ શકે છે. આ જ કારણસર પોલીસનું કહેવું છે કે જે લોકોનું બુકિંગ હોય તેમણે જ માથેરાન આવવું.

ક્રિસમસના વેકેશનમાં માથેરાનની જેમ મહાબળેશ્વર અને લોનાવલામાં પણ મોટી સંખ્‍યામાં પર્યટકો પહોંચ્‍યા હોવાનું જાણવા મળ્‍યું હતું. જોકે આ બન્‍ને સ્‍થળો માથેરાનની તુલનામાં વિસ્‍તારની દૃષ્ટિએ વિશાળ હોવા છતાં મોટા ભાગની હોટેલો ફુલ થઈ ગઈ હતી તેમ જ લોનાવલામાં તો ટ્રાફિક પણ જૅમ થઈ ગયો હતો.(

(9:47 AM IST)