News of Tuesday, 31st December 2024
નવા વર્ષની ઉજવણી: બેંગલુરુમાં માસ્ક, જાહેર સ્થળોએ સીટી વગાડવા પર પ્રતિબંધ; જાણો દિલ્હી-મુંબઈની સ્થિતિ
તમામ મોટા શહેરોમાં પોલીસ તૈનાત વધારી દેવાઈ :વહીવટીતંત્ર દ્વારા કેટલીક એડવાઈઝરી પણ જારી કરાઈ : લોકોને દારૂ પીને વાહન ન ચલાવવાની અપીલ

નવી દિલ્હી :સમગ્ર દેશ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ઉજવણીની તૈયારી કરી રહ્યો છે. આવી સ્થિતિમાં સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે. તમામ મોટા શહેરોમાં પોલીસ તૈનાત વધારી દેવામાં આવી છે અને વહીવટીતંત્ર દ્વારા કેટલીક એડવાઈઝરી પણ જારી કરવામાં આવી છે. લોકોને દારૂ પીને વાહન ન ચલાવવાની અપીલ કરવામાં આવી છે. બેંગ્લોરમાં, વહીવટીતંત્રે નવા વર્ષની ઉજવણી દરમિયાન સમગ્ર ચહેરો ઢાંકતા માસ્ક ન પહેરવાની અપીલ કરી છે. આ ઉપરાંત જાહેર સ્થળોએ સીટી વગાડવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
બેંગ્લોર પોલીસે મંગળવારે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જાહેર સ્થળોએ સીટી વગાડવા પર પ્રતિબંધ મૂક્યો હતો અને માસ્ક ન પહેરવાની અપીલ કરી હતી. સરકાર અને પોલીસે બેંગલુરુમાં ઝીણવટભરી સુરક્ષા વ્યવસ્થા કરી છે. એમજી રોડ પર 2,000 થી વધુ પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવશે, જ્યાં દર વર્ષે મધ્યરાત્રિની આસપાસ એક લાખથી વધુ લોકો એકઠા થાય છે. આ ઉપરાંત બ્રિગેડ રોડ, ચર્ચ સ્ટ્રીટ, ઈન્દિરાનગર, એચએસઆર લેઆઉટ અને કોરમંગલામાં પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કોરમંગલામાં 1,000 થી વધુ વધારાના પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
સીસીટીવી કંટ્રોલરૂમથી મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ સ્થળોએ 150 કેમેરા લગાવવામાં આવ્યા છે. તમામ ફ્લાયઓવર બંધ રહેશે, જ્યારે એમજી રોડથી મેટ્રો અને બસ સેવાઓ સવારે 2 વાગ્યા સુધી ચાલશે. બેંગલુરુ મેટ્રો રેલ કોર્પોરેશન (BMRCL) એ જાહેરાત કરી છે કે મહિલાઓને હેરાન કરનાર વ્યક્તિઓ પર 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે અને આવા અપરાધીઓને પોલીસને હવાલે કરવામાં આવશે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દરેક મેટ્રો કોચમાં સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે. મહિલાઓની સુરક્ષા માટે રાણી ચેન્નમ્મા સ્પેશિયલ સ્ક્વોડ તૈનાત કરવામાં આવી છે. વૉચટાવર બનાવવામાં આવ્યા છે અને જાહેર સ્થળોએ આરોગ્ય સેવાઓ પણ ઉપલબ્ધ થશે.
રાજધાની દિલ્હીમાં રોડ અકસ્માત અને ટ્રાફિક જામની સમસ્યાથી બચવા માટે રાજધાની દિલ્હી અને મુંબઈમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. મુંબઈમાં નવા વર્ષની ઉજવણીમાં કોઈ વિક્ષેપ ન પડે તે માટે મુંબઈમાં આઠ એડિશનલ કમિશનર, 29 ડેપ્યુટી કમિશનર, 53 આસિસ્ટન્ટ કમિશનર, 2184 ઈન્સ્પેક્ટર અને 12 હજારથી વધુ કોન્સ્ટેબલોને શહેરના રસ્તાઓ પર તૈનાત કરવામાં આવ્યા છે. QRT ટીમો (ક્વિક રિસ્પોન્સ ટીમ), તોફાન વિરોધી દળો અને હોમગાર્ડ પણ તૈનાત કરવામાં આવ્યા છે. શહેરોમાં વિવિધ સ્થળોએ ચેકપોઇન્ટ બનાવવામાં આવ્યા છે અને ભીડવાળા સ્થળોએ પોલીસ પેટ્રોલિંગ કરશે. દારૂના નશામાં વાહન ચલાવતા અને મહિલાઓની છેડતી કરતા લોકો પર ખાસ ધ્યાન રાખવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
