News of Tuesday, 31st December 2024
મુંબઈ-ગોવા નેશનલ હાઇવે પર વાહનોનો ચક્કાજામ-ન્યુ યર ઉજવવા ઉમટ્યા લોકો
પ્રાઇવેટ બસોનાં ભાવ આસમાને - ટ્રેનોમાં રિઝર્વેશન ફૂલઃ નવા વર્ષની ઉજવણી પહેલા વાહનોના ધસારાને કારણે ટ્રાફિક જામની સમસ્યા

મુંબઈ, તા.૩૧: આજે વર્ષ ૨૦૨૪નો અંતિમ દિવસ હોઈ થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે મોટાભાગનાં લોકો ગોવા જતાં હોય છે. આ જ કારણોસર મુંબઈ-ગોવા નેશનલ હાઇવે પર ટ્રાફિક જામ થતો હોય છે. ફરી એકવાર મુંબઈ-ગોવા હાઈવે પર નવા વર્ષની ઉજવણી પહેલા વાહનોના ધસારાને કારણે ટ્રાફિકની જામની સમસ્યા બની છે. એકબાજુ અહીં રોડ નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે, એવા પણ અહેવાલ સામે આવ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવા વર્ષની ઉજવણી કરવા માટે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ગોવા અને અલીબાગ જવા માટે મોટી સંખ્યામાં લોકો બહાર નીકળ્યા છે. સોમવારે પણ મુંબઈ નજીક લોનરે, માનગાંવ અને ઈન્દાપુર પોઈનાડના રસ્તાઓ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ હતી.
નવા વર્ષની ઉજવણી પહેલા મુંબઈ પોલીસે સોમવારે સાઉથ બોમ્બેમાં વાહનચાલકો માટે ટ્રાફિક એડવાઇઝરી જારી કરી હતી. તમને જણાવી દઈએ કે પોલીસે સાઉથ મુંબઈમાં ટ્રાફિક પ્રતિબંધોની યાદી બહાર પાડી જણાવ્યું હતું કે અમુક ટ્રાફિક નિયમો લાગુ કરવામાં આવશે જે ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૪નાં ૧૫.૦૦ કલાકથી ૧લી જાન્યુઆરી, ૨૦૨૫ના ૦૬:૦૦ કલાક સુધી રહેશે.
આ સાથે જ નવા વર્ષની ૨૦૨૫ની ઉજવણી માટે કેટલાક રસ્તાઓ પરનો પાર્કિંગ કરવામાં આવ્યું છે તો ક્યાંક રસ્તાઓ બંધ કરાયા છે. તેમજ પાર્કિંગની વ્યવસ્થા સહિત ટ્રાફિક પ્રતિબંધો કરવામાં આવી રહ્યા છે.મુંબઈકરો નવા વર્ષની ઉજવણીમાં કઈ જ બાકી નથી રાખતા હોતા. આ વર્ષે તો બસોનાં ભાડા પણ વધારી દેવામાં આવ્યા છે. માટે જ નવા વર્ષની ઉજવણી માટે કોંકણ, ગોવા જવા માટે વધુ પૈસા ખર્ચાઈ શકે છે, કારણ કે ખાનગી બસોના ભાડા આસમાને પહોંચ્યા છે, વંદે ભારત, જનશતાબ્દી, કોંકણ કન્યા, તેજસ જેવી લોકપ્રિય ટ્રેનોનું મુંબઈથી ગોવા સુધીનું રિઝર્વેશન ફૂલ થઈ ગયું છે. મુંબઈથી ગોવા બસનું ભાડું તો સામાન્ય રીતે રૂ.૮૦૦ થી રૂ.૧,૦૦૦ની વચ્ચે હોય છે, તે હવે રૂ.૨,૦૦૦થી વધીને રૂ.૫,૦૦૦ કરી દેવામાં આવ્યું છે.
(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
