News of Wednesday, 1st January 2025
શારીરિક સંબંધ બનાવાનો અર્થ યૌન શૌષણ નથી દિલ્હી હાઈકોર્ટે એક રેપ કેસમાં જાહેર કર્યો મોટો ચૂકાદો

નવી દિલ્હી, તા.૧: રેપ કેસના આરોપીને છોડી મૂકતાં દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે શારીરિક સંબંધ બનાવાનો અર્થ યૌન શૌષણ નથી, તેમાં સંમતિ અગત્યની છે. હાઈકોર્ટે કહ્યું કે સગીર પીડિતાએ ‘શારીરિક સંબંધ' શબ્દનો ઉપયોગ કર્યો છે, જેનો અર્થ જાતીય હુમલો એવો અર્થ કરી શકાય નહીં. જસ્ટિસ પ્રતિભા એમ. સિંહ અને અમિત શર્માની ખંડપીઠે આજીવન કેદની સજા પામેલા આરોપીની અપીલ સ્વીકારી હતી અને તેને નિર્દોષ જાહેર કર્યો હતો. પીડિતા સ્વેચ્છાએ આરોપી સાથે હતી તો પછી કોઈ જાતિય હુમલો થયો હતો તેવું ટ્રાયલ કોર્ટ કેવી રીતે નક્કી કરી શકે. શારીરિક સંબંધોથી લઈને યૌન ઉત્પીડન અને સંભોગ સુધીની દરેક બાબતો પુરાવા દ્વારા સાબિત થવી જોઈએ. માત્ર આશંકાઓના આધારે તારણો ન આપી શકાય. પીડિતાની ઉંમર ૧૮ વર્ષથી ઓછી છે તે હકીકતથી જાતીય સંભોગ થયો હોવાના નિષ્કર્ષ પર ન આવી શકે.
૨૦૧૭ની સાલમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી કે તેની ૧૪ વર્ષની પુત્રીનું કોઈ અજાણ્યા વ્યક્તિએ લલચાવીને ઘરેથી અપહરણ કર્યું હતું. પીડિતા ફરીદાબાદમાં આરોપીને મળી હતી, ત્યારબાદ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ડિસેમ્બર ૨૦૨૩માં, તેને IPC હેઠળ બળાત્કાર અને POCSO હેઠળ જાતીય હુમલાના ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને તેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ટ્રાયલ કોર્ટના આજીવન કારાવાસના ચુકાદાને આરોપીએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો અને હાઈકોર્ટે તેને રાહત આપી અને શંકાને આધારે છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. પીડિતા સ્વૈચ્છાએ આરોપી સાથે હોવાથી હાઈકોર્ટે તેને રેપ ગણ્યો નહોતો.(રર.૩)
(12:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
