News of Friday, 3rd January 2025
પત્નિએ પતિની સંપત્તિ નથી...પત્નિ પર પતિનું નિયંત્રણ કે અધિકાર ન હોઇ શકે
અલાહાબાદ હાઈ કોર્ટે આપ્યો ઐતિહાસિક ચુકાદોઃ પતિએ વિક્ટોરિયા યુગની માનસિકતા ત્યાગવાની જરૂર છે

નવી દિલ્હી, તા.૩: પતિ-પત્નિના કિસ્સામાં તાજેતરમાં અલાહાબાદ હાઈ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. હાઈ કોર્ટે કહયું હતું કે પતિએ વિક્ટોરિયા યુગની માનસિકતા ત્યાગવાની જરૂર છે. પત્નીનું શરીર તેની પ્રાઇવેસી તેના અધિકારની પોતાની સંપત્તિ છે. પત્ની પર પતિનું નિયંત્રણ કે અધિકાર ન હોઇ શકે. કોર્ટે કહયુ કે, પત્ની દ્વારા કરવામાં આવેલા ભરોસા અને વિશ્વાસનું સન્માન કરે તેવી એક પતિથી અપેક્ષા હોય છે. કોર્ટે આ ટિપ્પણી એક મામલાની સુનાવણી દરમિયાન કરી હતી.
પતિએ તેની પત્નિ સાથે માણેલી અંગત પળોનો વીડિયો તેની સહમતિ વગર રેકોર્ડ કર્યો હતો. તેમજ સોશિયલ મીડિયા પર શેર કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. આ વીડિયો પતિએ તેની પત્નિના પિતરાઈ ભાઈ સાથે પણ શેર કર્યો હોવાનો આરોપ હતો.
જસ્ટિસ વિનોદ દિવાકરની બેન્ચે પોતાના નિર્ણયમાં કહયું કે પત્ની એ પતિની સંપત્તિ નથી, પરંતુ તે પોતાની સ્વતંત્ર ઓળખ, અધિકારો અને ઈચ્છાઓ સાથે સંપૂર્ણ વ્યક્તિ છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પતિની પત્નિ સાથેની ખાનગી વાતચીત અથવા પળોને રેકોર્ડ કરવી અને શેર કરવી એ પતિ-પત્નિના સંબંધોની ગોપનીયતા અને વિશ્વાસનું ઉલ્લંઘન છે.
કોર્ટે કહયું કે લગ્ન સંબંધ વિશ્વાસ અને ગોપનીયતા પર આધારિત છે. જો પતિ તેની પત્નિની ગોપનીયતાનું સન્માન ન કરે તો તે નૈતિક અપરાધ તો છે જ પરંતુ કાયદાકીય રીતે પણ સજાને પાત્ર છે. આ સિવાય કોર્ટે એમ પણ કહયું કે પત્નિનું શરીર તેની પોતાની સંપત્તિ છે અને તેની સંમતિ વિના તેમાં કોઈપણ પ્રકારની દખલગીરી સ્વીકાર્ય નથી.
પતિની અરજીને ફગાવી દેતા કોર્ટે કહયું કે પત્નિની ગોપનીયતા અને તેના અધિકારોનું ઉલ્લંઘન કોઈ પણ સંજોગોમાં સહન કરી શકાય નહીં. લગ્ન સંબંધમાં સમાનતા અને આદર મહત્વપૂર્ણ છે. પતિ-પત્ની વચ્ચેના વિશ્વાસ અને ગુપ્તતાનું સન્માન કરવું એ દરેક પતિની ફરજ છે. કોર્ટે કહયું, મહિલાઓના અધિકારો અને ગોપનીયતા સર્વોપરી છે.(૨૩.૨)
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
