તા. ૧૨ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૮ બુધવાર
News of Friday, 3rd January 2025
માણસાઈ જેવું છે કે નહીં ? રેલવે સ્ટેશન પર NRI મહિલા પાસેથી કુલીએ પડાવ્યા ૧૦,૦૦૦ રૂપિયા કે ‘હચમચી' ગયું રેલ મંત્રાલય
રેલ્વે સ્ટેશન પર ઉઘાડી લૂંટ ? : મહિલાએ રેલવે અધિકારીને આ અંગે ફરિયાદ કરી : કુલી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો બેજ લઈ લીધો છે : આ સાથે જ મહિલાને ૯૦ ટકા રકમ પણ પરત કરી દેવામાં આવી

નવી દિલ્હી, તા.૩: હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર એક NRI મહિલાને ખૂબ જ ખરાબ અનુભવ થયો. તેની સાથે જે બન્યું તેની ફરિયાદ તેણે ઉચ્ચ અધિકારીઓને કરતા અધિકારીઓ એક્શનમાં આવી ગયા હતા અને કાર્યવાહી કરી હતી. હકીકતમાં રાજધાનીના નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર એક NRI મહિલા પહોંચી હતી, તેને ચાલવામાં તકલીફ હોવાથી તેણે કુલીને વ્હીલચેર દ્વારા પ્લેટફોર્મ સુધી લઈ જવા માટે જણાવ્યું હતું. જેથી કુલીએ તેને વ્હીલચેર પર બેસાડીને પ્લેટફોર્મ સુધી પહોંચાડી હતી. જે બાદ આ મહિલાએ પૈસા પૂછયા તો રકમ આંકડો સાંભળીને તેના હોશ ઉડી ગયા હતા. જે બાદ આ મહિલાએ રેલવે અધિકારીને આ અંગે ફરિયાદ કરી હતી. તેથી અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરીને આ કુલીનું બિલ્લુ (બેજ) પરત લઈ લીધું હતું અને મહિલાને ૯૦ ટકા પૈસા પણ પરત આપ્યા હતા.
ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝનના જનસંપર્ક અધિકારીના જણાવ્યા અનુસાર, હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર એક કુલીએ NRI મહિલાને વ્હીલચેર દ્વારા પ્લેટફોર્મ સુધી લઈ જવા માટે ૧૦,૦૦૦ રૂપિયા લીધા હતા. આ અંગેની ફરિયાદ રેલવેને કરવામાં આવી હતી. આ મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો. આ બાબતની નોંધ લેતા ડીઆરએમએ તાત્કાલિક કાર્યવાહી કરી અને કુલી સામે કાર્યવાહી કરી છે.
અધિકારીઓએ કુલી સામે કાયદેસરની કાર્યવાહી કરીને તેનો બેજ લઈ લીધો છે. આ સાથે જ મહિલાને ૯૦ ટકા રકમ પણ પરત કરી દેવામાં આવી છે. આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા DRMએ કહયું કે, રેલવે મુસાફરોને સુરક્ષિત અને સુવિધાજનક મુસાફરી પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. આવી ઘટનાઓથી રેલવેની છબી ખરાબ થાય છે અને મુસાફરોનો વિશ્વાસ નબળો પડે છે. તેમણે કહ્યું કે નક્કી કરાયેલા રૂપિયા કરતા વધારે રૂપિયા લેતા કુલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.
મુસાફરો અહીં કરી શકે છે ફરિયાદ
દિલ્હી ડિવિઝનના PROએ જણાવ્યું કે, કુલીઓ દ્વારા નક્કી કરવામાં આવેલા રૂપિયા કરતા વધારે રૂપિયા લેવામાં આવી રહયા હોવાની ફરિયાદો મળી રહી છે. હવે આ કુલીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ મુસાફરને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તેઓ રેલવે હેલ્પલાઈન નંબર ૧૩૯ પર સંપર્ક કરી શકે છે. અથવા રેલવેની મદદ એપ પર ફરિયાદ કરી શકે છે.
(10:07 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
