News of Friday, 3rd January 2025
ભૂપેન્દ્ર યાદવને ગુજરાત, વિજય રૂપાણીને રાજસ્થાનના અને પીયૂષ ગોયલને યુપીની જવાબદારી સોંપવામાં આવી
ભાજપે ચૂંટણી પ્રભારી નિયુકત કર્યા ભાજપે રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે પ્રભારીઓની નિમણૂક કરી છેઃ પાર્ટીએ યુપી, ગુજરાત, બિહાર જેવા મહત્વના રાજ્યોની જવાબદારી તેના ઘણા વરિષ્ઠ નેતાઓને સોંપી છે

નવી દિલ્હી, તા.૩: ભારતીય જનતા પાર્ટીએ રાજ્યોમાં યોજાનારી પ્રદેશ પ્રમુખો અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણી માટે ચૂંટણી પ્રભારીઓની નિમણૂક કરી છે. પાર્ટીએ ૧૫ જાન્યુઆરી સુધીમાં પ્રદેશ પ્રમુખોની પસંદગી કરવાની જાહેરાત કરી છે. પાર્ટીએ યુપી, ગુજરાત, બિહાર જેવા મહત્વના રાજ્યોની જવાબદારી તેના ઘણા વરિષ્ઠ નેતાઓને સોંપી છે.
હાલમાં માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા સંગઠનની રચનાનું કામ ચાલી રહ્યું છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ દેશભરમાં રાજ્ય ભાજપ અધ્યક્ષોની પસંદગી કરવા માટે ૨૯ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ચૂંટણી અધિકારીઓની નિમણૂંક કરી છે. જેમાં ગુજરાતમાં પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તરીકે ભુપેન્દ્ર યાદવની નિમણૂંક કરવામાં આવી છે. પરંતું આ વચ્ચે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોટી જવાબદારી સોંપાવામા આવી છે. વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે.
આ ચૂંટણી અધિકારી રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ પસંદગી કરશે. ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષની પસંદગી કરવા માટે કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ગુજરાત રાજ્ય ભાજપના નવા પ્રમુખ પદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના ભાજપ પ્રમુખની પસંદગી માટે ચૂંટણી અધિકારીની જવાબદારી ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી ડો.રાધા મોહનદાસ અગ્રવાલને સોંપવામાં આવી છે.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પાડોશી રાજ્ય રાજસ્થાનના ભાજપ અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરશે. તેમને રાજસ્થાનના રિટર્નિંગ ઓફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ભાજપે ગુજરાત પ્રદેશ અધ્યક્ષની ચૂંટણીની જવાબદારી કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવને સોંપી છે. ભુપેન્દ્ર યાદવ અગાઉ ગુજરાત રાજ્યના પ્રભારી પણ રહી ચૂકયા છે. જ્યારે પાર્ટીએ ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનની જવાબદારી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપી છે. વિજય રૂપાણી હાલમાં પંજાબના પ્રભારી છે.
આ સિવાય પીયૂષ ગોયલને યુપીની જવાબદારી, ધર્મેન્દ્ર પ્રધાનને મધ્યપ્રદેશની, મનોહર લાલ ખટ્ટરને બિહારની, શિવરાજ સિંહને કર્ણાટકની જવાબદારી સોંપવામાં આવી છે.
હરિયાણાની જવાબદારી અરુણ સિંહને જ્યારે જમ્મુ-કાશ્મીરની જવાબદારી સંજય ભાટિયાને સોંપવામાં આવી છે. સંજય ભાટિયા હરિયાણાના પૂર્વ સાંસદ છે.
તમને જણાવી દઈએ કે ૧૫ જાન્યુઆરી સુધીમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નવા પ્રદેશ પ્રમુખ મળી જશે. આ ઉપરાંત રાજ્યોમાં જિલ્લા અધ્યક્ષોની ચૂંટણી પણ થશે અને ત્યારબાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે. જે જાન્યુઆરીના અંત સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

(2:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
