<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd January 2025

પ્રવાસીઓ ગોવાના બદલે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન અન્ય સ્થળોએ જઈ રહ્યા છે ? આ દાવાઓને નકારતા સીએમ સાવંતે કહ્યું કે, ' હોટલો હાઉસફુલ, બીચ પર પણ છે ભીડ

ગોવા વિશે ખોટા મેસેજ આપવામાં આવી રહ્યા છે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓ ગોવામાં પ્રવાસીઓથી ધમધમતા હોય છે

ગોવા તા.૩ : ગોવાના સીએમ પ્રમોદ સાવંતે ગુરુવારે કહ્યું કે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી. રાજ્ય વિશે ખોટા માહિતી આપતા ઇન્ફ્લ્યુએન્સરની ટીકા કરતા સીએમ સાવંતે કહ્યું કે, 'રાજ્યની તમામ હોટલો અને બીચ લોકોથી ભરેલા છે, ઇન્ફ્લ્યુએન્સરે આ સ્થળોની મુલાકાત લેવી જોઈએ.' 

શું છે મામલો?

કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સરે થોડા દિવસો પહેલા નિર્જન બીચ, રેસ્ટોરન્ટ અને રસ્તાઓની તસવીરો અને વીડિયો પોસ્ટ કર્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પ્રવાસીઓ ગોવાના બદલે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી દરમિયાન અન્ય સ્થળોએ જઈ રહ્યા છે.' 

આ દાવાઓને નકારતા સીએમ સાવંતે કહ્યું કે, 'હું દેશભરના લોકોનું ગોવામાં સ્વાગત કરું છું. ડિસેમ્બર મહિનો ગોવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હંમેશની જેમ, વિવિધ તહેવારો તેમજ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલથી લઈને ક્રિસમસ અને 31મી ડિસેમ્બર સુધી, ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.'

ગોવા વિશે ખોટા મેસેજ આપવામાં આવી રહ્યા છે 

નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓ ગોવામાં પ્રવાસીઓથી ધમધમતા હોય છે. અહીંની તમામ હોટેલો ભરેલી છે. કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લ્યુએન્સર કહી રહ્યા છે કે પ્રવાસીઓ ગોવા આવવાના બદલે અન્ય સ્થળોએ જઈ રહ્યા છે. આ ઇન્ફ્લ્યુએન્સર્સ ખોટું કામ કરી રહ્યા છે, તેઓ ગોવા વિશે લોકોને ખોટો સંદેશ આપી રહ્યા છે. આથી હું તેમને કહેવા માંગુ છું કે તેઓ એકવાર અમારા બીચની મુલાકાત લે.'

મુખ્યમંત્રી સાવંતે વધુમાં કહ્યું કે,'પ્રવાસીઓ માટે લોકપ્રિય ચર્ચ, દરિયાકિનારા અને મંદિરોનું સમારકામ કરવામાં આવ્યું છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે નવા વર્ષ નિમિત્તે ત્યાંના રસ્તાઓ પર ઘણી ભીડ હતી અને આવનાર દરેકનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે ભીડને નિયંત્રિત કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.'

પર્યટન મંત્રીનું નિવેદન પણ આવ્યું

ગોવાના પર્યટન મંત્રી રોહન ખાઉટેએ પણ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે 'ટૂલકીટ' હેઠળ કેટલાક ઇન્ફ્લ્યુએન્સર્સને પૈસા આપવામાં આવ્યા હતા જેથી તેઓ રાજ્યની છબીને ખરાબ કરી શકે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોવાની મુલાકાત લેતા પ્રવાસીઓની સંખ્યા 2015માં 5.2 મિલિયનથી વધીને 2023માં 8.5 મિલિયનથી વધુ થઈ ગઈ છે. જેમાં વર્ષ 2019માં લગભગ 9.4 લાખ વિદેશી પ્રવાસીઓએ ગોવાની મુલાકાત લીધી હતી.

 

(4:26 PM IST)