<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th January 2025

પોખરણ પરીક્ષણના 26 વર્ષ બાદ ભારતની કંપનીઓ પર અમેરિકા પ્રતિબંધો હટાવાશે

-- ભારતે મે 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ કરતા અમેરિકાએ ભારતની ઘણી અસૈન્ય પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા

અમેરિકા સાથે ભારતના નજીકના સંબંધો છે. ત્યારે અમેરિકાએ હાલમાં જ એક એવી જાહેરાત કરી છે, જેનાથી ભારતને મોટો ફાયદો થઈ શકે છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનું કહેવું છે કે પોખરણ પરિક્ષણ બાદ જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા તે હટાવી લેવાશે. ભારતે મે 1998માં પોખરણ પરમાણુ પરીક્ષણ કર્યું હતું, જેના કારણે અમેરિકાએ ભારતની ઘણી અસૈન્ય પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા હતા, જે હવે હટાવવામાં આવશે.

અમેરિકન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું કે અમેરિકા જરૂરી પગલાં લઈ રહ્યું છે જેથી ભારતીય પરમાણુ કંપનીઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવે. આ કારણે લગભગ અઢી દાયકાથી ભારતીય અને અમેરિકન પરમાણુ કંપનીઓ વચ્ચે સમજૂતીઓ થઈ રહી ન હતી. આ અંગે ઔપચારિક કાર્યવાહી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. આનાથી ભૂતકાળની ભૂલોને દૂર કરવાની તક મળશે. આ સિવાય હવે આપણે ભવિષ્યમાં પરમાણુ કરાર તરફ આગળ વધી શકીશું.

 

અમેરિકાના આ પગલાને કારણે ઘણી સરકારી સંસ્થાઓ પણ એ કંપનીઓમાં સામેલ છે જેમના પ્રતિબંધ હટાવવામાં આવશે. 1998માં અમેરિકા દ્વારા જે કંપનીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો તેમાં ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરના અણુ ઊર્જા વિભાગ, ઈન્ડિગા ગાંધી સેન્ટર ફોર એટોમિક રિસર્ચ, ઈન્ડિયન રેર અર્થ્સ, ન્યુક્લિયર રિએક્ટર વગેરેનો સમાવેશ થાય છે.

 

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ અમેરિકાએ પાકિસ્તાનની ઘણી અસૈન્ય પરમાણુ કંપનીઓ પર પ્રતિબંધ લગાવ્યો હતો અને કહ્યું હતું કે તે એવી મિસાઈલ તૈયાર કરવામાં વ્યસ્ત છે જે અમેરિકાને સીધું નિશાન બનાવી શકે છે. તેના પર પાકિસ્તાને કહ્યું કે અમેરિકાનો દાવો ખોટો છે અને તેની વિરુદ્ધ ખોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટલું જ નહીં ભારત તરફ ઈશારો કરીને પાકિસ્તાને કહ્યું હતું કે જો તે કોઈ એવા પાડોશી દેશનો સામનો કરી રહ્યું છે, જે તમામ હથિયારોથી સજ્જ છે, તો તે પાકિસ્તાન પર અત્યાચાર છે.

(1:05 PM IST)