<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

ભિખારી ઘરે માંગવા આવ્‍યો અને મહિલાએ આપ્‍યું દિલ, ૬ દીકરાને છોડીને ભાગી ગઈ માતા

પતિનો આરોપ છે કે, ભિખારી સાથે ફરાર થવાની સાથે તેની પત્‍નિ ઘરમાં રાખેલા પૈસા પણ લઈ ગઈ છે

હરદોઈ, તા.૮: પતિ અને છ બાળકોની માતા એક ભિખારી સાથે ભાગી ગઈ હોવાના સમાચાર સામે આવ્‍યા છે. મહિલા જેની સાથે ભાગી ગઈ હતી તે ભિખારી તેના ઘરે ભીખ માંગવા આવતો અને તેનો હાથ જોઈને ભવિષ્‍ય પણ કહેતો. આ દરમિયાન, બંને પ્રેમમાં પડયા હતા. મહિલાના પતિનો આરોપ છે કે, ભિખારી સાથે ફરાર થવાની સાથે તેની પત્‍ની ઘરમાં રાખેલા પૈસા પણ લઈ ગઈ છે. હાલ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી બંનેની શોધખોળ શરૂ કરી છે.

આ આખો મામલો હરદોઈ જિલ્લાના હરપાલપુર કોતવાલી વિસ્‍તારનો છે, જ્‍યાં એક ૩૬ વર્ષની મહિલા તેના ઘરે ભીખ માંગવા આવેલા ભિખારી સાથે પ્રેમમાં પડી ગઈ હતી. અંતે તે તેની સાથે ભાગી ગઈ હતી. મહિલા ભાગી ગયા બાદ તેના પતિએ પોલીસમાં કેસ દાખલ કર્યો અને તેની પત્‍નીને પરત લાવવા વિનંતી કરી છે. હવે પોલીસ ભિખારીને શોધી રહી છે.

પીડિત પતિ રાજુએ કેસ દાખલ કરતી વખતે કહયું કે, તેના ૬ બાળકો છે અને તેની પત્‍નીને એક ભિખારી ઉપાડી ગયો છે. પીડિતાએ જણાવ્‍યું કે, હરદોઈના સાંડી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારની રહેવાસી નન્‍હે પંડિત અવારનવાર તેના ઘરે ભીખ માંગવા આવતો હતો અને તેના હાથ વગેરે પણ જોતો હતો. પતિના કહેવા પ્રમાણે, તેની પત્‍ની ઘણીવાર ભિખારી સાથે વાત કરતી હતી. ૩ જાન્‍યુઆરીના રોજ તે ઘરેથી રેતીબજારમાં શાકભાજી અને કપડા ખરીદવા માટે નીકળી હતી, પરંતુ પરત આવી ન હતી.

રાજુના કહેવા પ્રમાણે પત્‍ની ઘરમાં રાખેલા ૧ લાખ ૬૦ હજાર રૂપિયા પણ લઈ ગઈ છે. આ પૈસા ભેંસ અને માટી વેચીને એકત્ર કરવામાં આવ્‍યા હતા. નાન્‍હે તેની પત્‍નીને તેની સાથે મનાવીને લઈ ગયો છે. તેના ઈરાદા પહેલાથી જ ખરાબ હતા. પોલીસને વહેલી તકે પત્‍નીને શોધવા વિનંતી કરવામાં આવી છે.

(9:55 AM IST)