<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

યુનુસ સરકારે શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો : ભારતે વિઝા લંબાવ્‍યા

બાંગ્‍લાદેશની હકાલપટ્ટી કરાયેલી વડાપ્રધાન શેખ હસીનાને લઈને ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે તણાવ વધી રહયો છે

ઢાકા/નવી દિલ્‍હી, તા.૮: બાંગ્‍લાદેશની હકાલપટ્ટી કરાયેલી વડાપ્રધાન શેખ હસીનાને લઈને ભારત અને બાંગ્‍લાદેશ વચ્‍ચે તણાવ વધી રહયો છે. બાંગ્‍લાદેશની વચગાળાની સરકાર ભારતમાંથી શેખ હસીનાના પ્રત્‍યાર્પણની માંગ કરી રહી છે અને હસીનાને જેલમાં ધકેલી દેવા માટે પોતાની તમામ તાકાત લગાવી રહી છે. શેખ હસીના સામે ચાલી રહેલા અપરાધિક મામલાઓને લઈને યુનુસ સરકારે પહેલા તેના માટે ધરપકડ વોરંટ જારી કર્યું હતું અને હવે તેનો પાસપોર્ટ રદ કરી દીધો છે. તે જ સમયે, ભારતે દિલ્‍હીમાં રહેતા નિર્વાસિત પીએમ હસીનાના વિઝાને લંબાવ્‍યા છે. બાંગ્‍લાદેશની વચગાળાની સરકારે શેખ હસીના સહિત કુલ ૯૭ લોકોના પાસપોર્ટ રદ્દ કરી દીધા છે.

શેખ હસીના સિવાય બાંગ્‍લાદેશે ૯૬ લોકોના પાસપોર્ટ રદ કર્યા છે, જેમાં ૨૨ લોકોનો સમાવેશ થાય છે જેઓ કથિત અપહરણમાં સામેલ હોવાનો આરોપ છે. અને ૭૫ અન્‍ય લોકો પર ગયા વર્ષે વિદ્યાર્થી વિરોધી આંદોલન દરમિયાન હત્‍યાનો આરોપ છે.

પાસપોર્ટ રદ કરવાનો બાંગ્‍લાદેશની વચગાળાની સરકારનો આ નિર્ણય આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્‍યુનલ (ICT) દ્વારા શેખ હસીના અને અન્‍ય ૧૧ લોકો સામે ધરપકડ વોરંટ જારી કર્યાના એક દિવસ બાદ આવ્‍યો છે. આઈસીટીએ શેખ હસીના અને અન્‍ય આરોપીઓની ધરપકડ કરીને ૧૨મી ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્‍યો છે. આમાં મેજર જનરલ (નિવળત્ત) તારિક અહેમદ સિદ્દીકી, જે હસીનાના સંરક્ષણ સલાહકાર હતા, ભૂતપૂર્વ પોલીસ મહાનિરીક્ષક (IGP) બેનઝીર અહેમદ અને નેશનલ ટેલિકોમ્‍યુનિકેશન મોનિટરિંગ સેન્‍ટર (NTMC)ના ભૂતપૂર્વ મહાનિદેશક ઝિયાઉલ અહસાન વગેરેનો સમાવેશ થાય છે.

શેખ હસીનાના પ્રત્‍યાર્પણની માંગ વચ્‍ચે ભારતે મોટો નિર્ણય લીધો છે અને હસીનાના વિઝાને લંબાવ્‍યા  છે. શેખ હસીના ગયા ઓગસ્‍ટથી ભારતમાં રહે છે, જ્‍યારે બાંગ્‍લાદેશમાં વિદ્યાર્થીઓએ તેમની સામે વિરોધ કર્યા બાદ તેમને દેશ છોડવો પડયો હતો. અહેવાલો અનુસાર, ભારત સરકારે શેખ હસીનાના વિઝાને લંબાવ્‍યો છે જેથી તે અહીં રહી શકે, પરંતુ ભારતમાં શરણાર્થીઓ માટે કોઈ વિશેષ કાયદો ન હોવાને કારણે તેમને આશ્રય આપ્‍યો નથી.

અગાઉ, બાંગ્‍લાદેશની વચગાળાની સરકારે શેખ હસીનાના પ્રત્‍યાર્પણ માટે ૨૩ ડિસેમ્‍બરે ભારતના વિદેશ મંત્રાલયને રાજદ્વારી નોંધ મોકલી હતી. જેનો ભારત સરકારે કોઈ હકારાત્‍મક પ્રતિભાવ આપ્‍યો નથી.

શેખ હસીનાને લઈને બાંગ્‍લાદેશ અને ભારતની તાજેતરની કાર્યવાહીએ સવાલ ઉભા કર્યા છે કે શેખ હસીનાનું ભવિષ્‍ય શું હશે? આ વિશે વાત કરતા ભારતના વિદેશ મંત્રાલયે પહેલા જ કહ્‍યું છે કે શેખ હસીનાએ પોતાની ભવિષ્‍યની યોજનાઓ વિશે પોતે જ નિર્ણય લેવાનો છે. બાંગ્‍લાદેશના રાષ્ટ્રીય સ્‍વતંત્ર તપાસ પંચના વડાએ કહ્‍યું છે કે પંચના સભ્‍યો ભારત જવાની યોજના બનાવી રહ્‍યા છે જેથી ૨૦૦૯માં બાંગ્‍લાદેશ રાઈફલ્‍સ દ્વારા ૭૪ લોકોની હત્‍યાના કેસમાં શેખ હસીનાની પૂછપરછ કરી શકાય. આવી સ્‍થિતિમાં બાંગ્‍લાદેશ હસીનાના પ્રત્‍યાર્પણના દાવામાં કેટલું સફળ થાય છે તે જોવું રહયું.(૨૩.૯)

(10:23 AM IST)