<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th January 2025

કંગાળ પાકિસ્‍તાને એક જ ઝાટકે ૧.૫ લાખ લોકોને બેરોજગાર બનાવ્‍યા

વહીવટી ખર્ચ ઘટાડવા ૬૦ ટકા સરકારી નોકરીઓ દૂર કરી

ઈસ્‍લામાબાદ, તા.૮: પાકિસ્‍તાનમાં ગરીબી અને મોંઘવારી ચરમસીમાએ છે. ગરીબીથી પરેશાન પાકિસ્‍તાને વહીવટી ખર્ચ ઘટાડવા માટે ૧.૫ લાખથી વધુ સરકારી નોકરીઓ નાબૂદ કરી છે. આ સાથે સરકાર ખર્ચ ઘટાડવા અને કાર્યક્ષમતા વધારવા માટે સરકારી સંલગ્ન એજન્‍સીઓની સંખ્‍યા અડધાથી ઘટાડવાની પણ તૈયારી કરી રહી છે. આ ઉપરાંત ૮૦ વિભાગોને પણ ૪૦માં ગોઠવવામાં આવ્‍યા છે.

પાકિસ્‍તાનના નાણામંત્રી મુહમ્‍મદ ઔરંગઝેબે મંગળવારે આની જાહેરાત કરી હતી. આ દરમિયાન તેમણે કહયું કે સરકાર સંકળાયેલ એજન્‍સીઓની સંખ્‍યા પણ અડધી કરી દેશે. ઔરંગઝેબે કહયું, ‘‘અમે તબક્કાવાર રીતે ફેડરલ સરકારનું કદ ઘટાડી રહ્‍યા છીએ. અત્‍યાર સુધીમાં ૮૦ વિભાગોને ૪૦માં એકીકળત કરવામાં આવ્‍યા છે.‘‘ તેમણે કહ્‍યું કે સરકાર જૂન ૨૦૨૫ સુધીમાં આ સુધારાઓને પૂર્ણ કરવા માગે છે. તેમણે કહયું કે ૬૦ ટકા ખાલી જગ્‍યાઓ નાબૂદ કરવામાં આવી છે, જે લગભગ ૧.૫ લાખ સરકારી નોકરીઓ જેટલી છે.

આ પહેલા પણ ગયા વર્ષે સપ્‍ટેમ્‍બર મહિનામાં શાહબાઝ સરકારે વહીવટી ખર્ચ ઘટાડવા માટે ૧.૫ લાખથી વધુ સરકારી નોકરીઓ અને લગભગ ૬ મંત્રાલયોને નાબૂદ કર્યા હતા. આ સાથે બે મંત્રાલયોનું પણ વિલય કરવામાં આવ્‍યું હતું. એક સાથે આટલી બધી નોકરીઓ ખતમ કરવાનું કારણ IMF સાથે યુએસ ઼૭ બિલિયન લોન ડીલ હેઠળ સુધારાના સ્‍વરૂપમાં હતું.

ત્‍યારે નાણામંત્રી મુહમ્‍મદ ઔરંગઝેબે કહ્‍યું હતું કે IMF સાથે એક કાર્યક્રમ નક્કી કરવામાં આવ્‍યો છે, જે પાકિસ્‍તાન માટે છેલ્લો કાર્યક્રમ હશે. ત્‍યાર બાદ તેમણે કહયું કે આ છેલ્લો કાર્યક્રમ હશે તે સાબિત કરવા માટે અમારે અમારી નીતિઓ લાગુ કરવાની જરૂર છે.

(10:56 AM IST)