તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Thursday, 9th January 2025
GST ૩બી રિટર્નમાં વેપારીઓ સુધારો વધારા નહીં કરી શકે : ૨૫મીથી અમલ
૩બી રિટર્નમાં ડેટા જીએસટીઆર ૧ અને ૨એના આધારે દેખાશે

મુંબઇ, તા.૯: જીએસટી ૩બી રિટર્ન ભરતી વખતે કોઈ ભૂલ હોય તો સુધારી શકાતી હતી. પરંતુ આગામી ૨૫ જાન્યુઆરી બાદ તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હશે તો સુધારી શકાશે નહી. આ માટે વેપારીએ પહેલા જીએસટીઆર ૧એમાં સુધારો કરવો પડશે ત્યારબાદ જ જીએસટી ૩બીમાં તેનો સુધારો જોવા મળશે. કારણ કે હવે જીએસટીમાં મોટાભાગની વિગતો ઓટો પોપ્યુલેટેડ હોવાના કારણે વેપારીએ રિટને ભરતી વખતે પૂરતી સાવધાની રાખવી પડશે. જો તેમાં નાની સરખી પણ ભૂલ કરી તો સિસ્ટમ દ્વારા તાત્કાલિક નોટિસ જ મોકલી આપવામાં આવશે.
આ અંગે ટેક્સ કન્સલ્ટન્ટ નારાયણ શર્માએ જણાવ્યું હતું કે વેપારી દ્વારા ભરવામાં આવતા જીએસટીઆર ૧ અને જીએસટીઆર ૨ બીના ડેટા જીએસટીના ૩બી રિટર્નમાં ઓટો પોપ્યુલેટેડ થાય છે. એટલે કે આ બંનેમાં ભરવામાં આવેલા વિગતોના આધારે વેપારીએ ૩બી રિટર્નમાં કેટલા ટેક્સ ભરવાનો છે ગણતરી સિસ્ટમ પ્રમાણે જ કરીને વેપારીને સીધી ટેક્સની રકમ ભરવા માટે જમાવી દેવામાં આવતું હતું. જેથી વેપારી દ્વારા જમા ક્રેડિટમાંથી અથવા તો રોકડ મારફતે નાણાં ભરપાઈ કરી દેતા હતા. જવારે આગામી ૨૫ જાન્યુઆરીથી જીએસટી પોર્ટલ પર એવી સુવિધા શરૂ કરવામાં આવનાર છે કે વેપારી દ્વારા જીએસટીના ૩બી રિટર્નમાં હવેથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં. આ માટે વેપારીએ સમગ્ર મહિના દરમિયાન કરેલી ખરીદ વેચાણની વિગતોમાં રહેલા સુધારા જીએસટીઆર ૧ એમાં કરવાના રહેશે. તેમાં કરવામાં આવેલા જીએસટીના સુધારા સાથે દેખાશે. આ માટે વેપારીએ હવેથી જીએસટીઆર ૧ ભરતી વખતે ખાસ તકેદારી રાખવાની રહેશે. સિસ્ટમ દ્વારા રિટર્નની ચકાસણી કરવામાં આવે અને તેમાં ભૂલ જણાઈ આવશે તો વેપારીને નોટિસ મળવાની પણ શકયતા નકારી શકાતી નથી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
