<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th January 2025

કેનેડાની અદાલતે નિજ્જર હત્યા કેસમાં ચારેય આરોપીઓને જામીન આપ્યા : કેનેડા સરકાર અને પોલીસને મોટો ઝટકો લાગ્યો : ચારેય આરોપીઓને છોડવાથી જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલી વધશે

હવે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરી 2025ના રોજ થશે. સુપ્રીમ કોર્ટે આ કેસના ચારેય આરોપીઓને કાયદાકીય સુનાવણી બાકી હોય તેમને જામીન પર મુક્ત કર્યા

 કેનેડા તા.૯ : ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર હત્યા કેસને લઈને કેનેડામાં મોટો નિર્ણય સામે આવ્યો છે. આ નિર્ણયમાં કેનેડાની કોર્ટે આ કેસમાં સામેલ ચારેય આરોપીઓને જામીન આપ્યા છે. આરોપીઓને જામીન મળ્યા બાદ કેનેડા સરકાર અને પોલીસને મોટો ઝટકો લાગ્યો છે. હવે આગામી સુનાવણી 11 ફેબ્રુઆરી 2025ના રોજ થશે. સુપ્રીમ કોર્ટે આ કેસના ચારેય આરોપીઓને કાયદાકીય સુનાવણી બાકી હોય તેમને જામીન પર મુક્ત કર્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચારમાંથી ત્રણ પ્રતિવાદીઓ વીડિયો દ્વારા સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા જ્યારે ચોથાનું પ્રતિનિધિત્વ વકીલ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસ કોર્ટમાં હાજર રહી ન હતી. વાસ્તવમાં આ મામલામાં કેનેડિયન પોલીસની ભૂમિકા પર સવાલ ઉઠ્યા છે. નીચલી કોર્ટમાં પુરાવા રજૂ કરવામાં નિષ્ફળતાના કારણે પોલીસ કોર્ટમાં હાજર રહી ન હતી. પોલીસની આ નિષ્ક્રિયતા જોઈને સુપ્રીમ કોર્ટે ચારેય આરોપીઓને જામીન પર મુક્ત કર્યા હતા. જે ચાર આરોપીઓને મુક્ત કરવામાં આવ્યા છે તેમના નામ કરણ બ્રાર, અમનદીપ સિંહ, કમલપ્રીત સિંહ અને કરણપ્રીત સિંહ છે. કેનેડાના સરકારી દસ્તાવેજો અનુસાર આ આરોપીઓ હવે પોલીસ કસ્ટડીમાં નથી. મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી.. આ આરોપીઓની નિજ્જર હત્યા કેસમાં 2024ના મે મહિનામાં ધરપકડ કરવામાં આવી હતી. રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ની ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા હત્યા અને હત્યાનું કાવતરું ઘડવાના આરોપસર તેની ધરપકડ કરવામાં આવી હતી. આમાંથી ત્રણ આરોપી એડમન્ટનના રહેવાસી હતા, જ્યારે ચોથા આરોપી અમરદીપ સિંહની 11 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ પર ફર્સ્ટ ડિગ્રી મર્ડર અને ષડયંત્રના ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. શું હતો આખો મામલો.. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની 18 જૂન 2023ના રોજ કેનેડાના સરેમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ભારતમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ અને હત્યા માટે વોન્ટેડ નિજ્જર 1997માં કેનેડા ભાગી ગયો હતો. તેમની હત્યા બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધુ વધી ગયો હતો. કેનેડાએ ભારત પર આ હત્યાનો આરોપ લગાવ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પડી હતી. ભારતની સંડોવણીનો આરોપ હતો જસ્ટિસ ટ્રુડોએ પણ ભારત પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 18 સપ્ટેમ્બર, 2023 ના રોજ સંસદમાં જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયામાં, કેનેડિયન સુરક્ષા એજન્સીઓ ભારતીય સરકારી એજન્ટો અને નિજ્જરની હત્યા વચ્ચેના સંભવિત જોડાણના વિશ્વસનીય આરોપોની સક્રિયપણે તપાસ કરી રહી છે. નવી દિલ્હીએ આ આરોપને સખત રીતે નકારી કાઢ્યો હતો અને કેનેડાએ તેના સંબંધમાં ક્યારેય કોઈ પુરાવા રજૂ કર્યા નથી. આ કેસમાં ચારેય આરોપીઓને છોડવાથી જસ્ટિન ટ્રુડો માટે મુશ્કેલી વધી શકે છે. જેમણે રાજીનામાની જાહેરાત કરી દીધી છે.

(3:46 PM IST)