News of Thursday, 9th January 2025
મ્યાનમારની સેનાએ પોતાના જ દેશના એક ગામ પર કર્યો હવાઈ હુમલો : 40 લોકોના મોત : અનેક ઘાયલ
હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો મકાનો નષ્ટ થયા: રામરી ટાપુ પર ક્યોકની માવ ગામમાં હવાઈ હુમલો

નવી દિલ્હી : મ્યાનમારમાં સશસ્ત્ર લઘુમતી વંશીય જૂથ દ્વારા નિયંત્રિત ગામ પર લશ્કરી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે અને લગભગ 20થી વધુ લોકો ઘાયલ થયા છે. વંશીય જૂથના અધિકારીઓ અને એક સ્થાનિક સેવાભાવી સંસ્થાએ ગુરુવારે આ વિશે માહિતી આપી હતી. અધિકારીઓએ દાવો કર્યો હતો કે હવાઈ હુમલાને કારણે લાગેલી આગમાં સેંકડો મકાનો નષ્ટ થયા હતા તેમણે કહ્યું કે આ હુમલો બુધવારે રામરી ટાપુ પર ક્યોકની માવ ગામમાં થયો હતો, જે પશ્ચિમી રખાઈન રાજ્યમાં લઘુમતી વંશીય જૂથ અરાકન આર્મી દ્વારા નિયંત્રિત છે.
જો કે સેનાએ આ વિસ્તારમાં કોઈ હુમલાની પુષ્ટિ કરી નથી. ગામની પરિસ્થિતિની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી, કારણ કે આ વિસ્તારમાં ઈન્ટરનેટ અને મોબાઈલ ફોન સેવાની ઍક્સેસ લગભગ ખોરવાઈ ગઈ છે.
નોંધનીય છે કે મ્યાનમારમાં હિંસા ત્યારે શરૂ થઈ જ્યારે સેનાએ ફેબ્રુઆરી 2021માં આંગ સાન સૂ કીની ચૂંટાયેલી સરકારને હટાવી દીધી હતી. શાંતિપૂર્ણ પ્રદર્શનોને ડામવા માટે સેનાએ પણ બળપ્રયોગ કર્યો છે. દરમિયાન, લશ્કરી શાસનના ઘણા વિરોધીઓએ શસ્ત્રો ઉપાડ્યા છે અને દેશના મોટા ભાગો હવે સંઘર્ષમાં ફસાયેલા છે.
(11:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
