News of Friday, 10th January 2025
ડોલરની મજબૂત માગ સામે રૂપિયો ઝાંખો પડ્યો: વધુ 11 પૈસા તૂટી 85.97ના રેકોર્ડ તળિયે
ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી તેમજ ક્રૂડ ઓઈલના ભાવો વધતાં આયાતકારો તરફથી ડોલરની માગ વધી

મુંબઈ :ભારતીય રૂપિયો ડોલરની મજબૂત માગ સામે પોતાની ચમક ટકાવી રાખવા નિષ્ફળ રહ્યો છે. આજે ડોલર સામે રૂપિયો ઘટાડા તરફી ખૂલ્યા બાદ વધુ 11 પૈસા તૂટી 85.97ના રેકોર્ડ તળિયે પહોંચ્યો છે. જે ગઈકાલે 85.86 પર બંધ રહ્યો હતો. આજે રૂપિયો ઈન્ટ્રા ડે 85.8638થી 85.9750ની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો.
ફેડ રિઝર્વ દ્વારા રેટ કટ મામલે હોકિશ વલણ દર્શાવવામાં આવતાં યુએસ ડોલર અને ટ્રેઝરી યીલ્ડ સતત નવી ટોચ નોંધાવી રહ્યા છે. બીજી તરફ ભારતીય શેરબજારમાંથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી તેમજ ક્રૂડ ઓઈલના ભાવો વધતાં આયાતકારો તરફથી ડોલરની માગ વધી છે.
ફોરેક્સ નિષ્ણાતોએ જણાવ્યું છે કે, ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ડોલર સામે છેલ્લા 15 દિવસથી સતત નબળો પડી રહ્યો છે. દેશનો જીડીપી ગ્રોથ નબળો રહેવાની શક્યતા તેમજ કોર્પોરેટ ત્રિમાસિક પરિણામો પણ નબળા રહેવાની અપેક્ષા સાથે સેન્ટિમેન્ટ ખરડાયું છે. આરબીઆઈએ રૂપિયાને વધુ તૂટતો બચાવવા ડોલરની મોટાપાયે વેચવાલી કરવી પડશે
ડોલર સામે રૂપિયો નબળો પડતાં આયાતો મોંઘી થશે. ક્રૂડ ઓઈલના ભાવોમાં વૃદ્ધિની સાથે રૂપિયો પણ ગગડ્યો છે. પરિણામે 80 ટકા આયાત પર નિર્ભર ભારત માટે ક્રૂડની ખરીદી મોંઘી બનશે. પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે. આ સિવાય, સેમી કંડક્ટર ચીપ્સની આયાત પણ મોંઘી થતાં ઈલેક્ટ્રોનિક્સ સાધનોની કિંમત વધશે. બીજી તરફ નિકાસકારોને ડોલરમાં વધુ કમાણી થશે. સેવાઓની નિકાસ કરતી આઈટી, ફાર્મા કંપનીઓનો નફો વધશે. કમાણી વધશે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
