<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th January 2025

બાંગ્લાદેશમાં ફરી હિન્દુ મંદિરને નિશાન બનાવાયું કાલી મંદિરમાંથી દેવીના તમામ ઝવેરાતની લૂંટ !

ઇસ્કોન કોલકાતાએ બાંગ્લાદેશમાં કાલી મંદિરમાં લૂંટનો આરોપ લગાવ્યો:ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે પુરાવા તરીકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો

કોલકતા : ઇસ્કોન કોલકાતાએ બાંગ્લાદેશમાં કાલી મંદિરમાં લૂંટનો આરોપ લગાવ્યો છે. ખરેખર, ઈસ્કોન કોલકાતાના ઉપાધ્યક્ષ રાધારમણ દાસે પુરાવા તરીકે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે.

આ વીડિયોની સાથે રાધારમણ દાસે લખ્યું છે કે બાંગ્લાદેશના લાલમોહન ઘાટ વિસ્તારમાં તુષભંડાર જમીનદાર બાડી સ્થિત ભવતારિણી કાલી મંદિરમાંથી દેવીના તમામ ઝવેરાતની લૂંટ કરવામાં આવી હતી. શુક્રવારે સવારે જ્યારે પૂજારી ત્યાં આવ્યા ત્યારે તેમણે મંદિરનો દરવાજો તૂટેલો જોયો હતો. બદમાશોએ બધું લૂંટીને લઈ ગયા હતા.
 રાધારમણ દાસે કહ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ પણ છોડવામાં આવી રહી નથી. જો આમ જ ચાલશે તો બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓ ક્યાં પૂજા કરશે? બાંગ્લાદેશમાં અનેક મંદિરો પર હુમલાની ઘટનાઓ સામે આવી છે. મોટાભાગના કેસોમાં કોઈ ધરપકડ કરવામાં આવી નથી. રાધારમણ દાસે આ પહેલા બાંગ્લાદેશમાં બે મંદિરો પર થયેલા હુમલાનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો.

બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બન્યા બાદ હિન્દુઓ અને લઘુમતીઓને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શનો પણ કર્યાં હતા.

જો કે બાંગ્લાદેશની ચિત્તાગોંગ કોર્ટે હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. હિંદુ સંતને જામીન ન મળવા પર ઈસ્કોન કોલકાતાએ તેને દુઃખદ ગણાવ્યું હતું. ચિન્મય કૃષ્ણ દાસને જામીન ન મળવા પર ઈસ્કોન કોલકાતાના પ્રવક્તા રાધારમણ દાસે કહ્યું કે સુનાવણી દરમિયાન એક સારી વાત એ હતી કે વકીલોએ કોર્ટમાં ચિન્મય દાસનો પક્ષ રજૂ કર્યો. અગાઉ, સુનાવણી દરમિયાન વકીલોને તેમનો પક્ષ રજૂ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. તેમણે કહ્યું હતું કે તે દુઃખદ છે કે તેની જામીન અરજી ફગાવી દેવામાં આવી.

 


 

(8:26 PM IST)