<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં જયશંકર આપશે હાજરી, ભારતનું પ્રનિધિત્‍વ કરશે

જયશંકર આગામી વહીવટીતંત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરશે. તેઓ અમેરિકા આવી રહેલા કેટલાક અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ મળશે.

નવી દિલ્‍હીઃ ભારતના વિદેશ મંત્રી ડૉ એસ જયશંકર અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે. તેઓ 47માં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે. આ મુલાકાત દરમિયાન જયશંકર આગામી વહીવટીતંત્રના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરશે. તેઓ અમેરિકા આવી રહેલા કેટલાક અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓને પણ મળશે. આ મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.

 

આ પહેલા અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહના પાંચ દિવસ પહેલા બુધવારે ઓવલ ઓફિસથી વિદાય ભાષણ આપશે. 20 જાન્યુઆરીએ ઓફિસ છોડતા પહેલા અમેરિકનો અને વિશ્વભરના લોકો માટે રાષ્ટ્રપતિ તરીકે બિડેનનું આ અંતિમ ભાષણ હશે, જે રાત્રે 8 વાગ્યે શરૂ થશે. તેઓ સોમવારે વિદેશ મંત્રાલયમાં તેમના કાર્યકાળની વિદેશ નીતિ પર ધ્યાન કેન્દ્રિત કરીને ભાષણ આપશે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ કેરીન જીન-પિયરે શુક્રવારે જણાવ્યું હતું કે બિડેન સોમવારે તેમના ભાષણમાં " 50 વર્ષના જાહેર જીવનની વાત કરશે. 

 

પ્રમુખપદના ઉમેદવારો વચ્ચેની 'ચર્ચા'માં બિડેનનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું, ત્યારપછી તેમના જ પક્ષના સભ્યોએ આ પદની રેસમાંથી બિડેને ખસી જવાની વાત શરૂ કરી હતી અને આખરે બિડેને ટ્રમ્પ સામે યુએસ પ્રમુખપદની રેસમાંથી ખસી જવાનો નિર્ણય લીધો હતો . બિડેનના સ્થાને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. જોકે, તેમને ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

(1:13 PM IST)