તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th January 2025
ભારતીય મુળના અનિતા આનંદ કેનેડાની પીએમ પદની રેસમાંથી બહારઃ સતાવાર જાહેરાત કરી કે તે આગામી ચૂંટણી પણ નહિ લડે
જસ્ટીન ટ્રુડોના રાજીનામા બાદ અનિતા આનંદ પીએમ પદ માટે મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા

નવી દિલ્હીઃ કેનેડાના વડાપ્રધાન તરીકે જસ્ટિન ટ્રુડો (Justin Trudeau)ના રાજીનામા બાદથી ચર્ચા ચાલી રહી છે કે, હવે કેનેડાના નવા વડાપ્રધાન કોણ બનશે. જેને લઈને અનેક નામ સામે આવી રહ્યા છે. ત્યારે મજબૂત દાવેદાર માનવામાં આવી રહેલી ભારતીય મૂળની અનિતા આનંદ (Anita Anand) કેનેડાના વડાપ્રધાન પદની રેસમાંથી હટી ગઈ છે. અનિતા આનંદને જસ્ટિન ટ્રૂડોના રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવી રહી હતી.
અનિતા આનંદનું નિવેદન સામે આવ્યું છે. અનિતાએ આ વાતની પુષ્ટિ કરી છે કે, તે આગામી ચૂંટણી પણ લડશે નહીં. અનિતા આનંદ ઓન્ટારિયોના ઓકવિલેથી સાંસદ છે. અનિતા આનંદે કહ્યું કે, જ્યારે વડાપ્રધાને આગળ વધવાનો નિર્ણય કર્યો છે, મારા માટે પણ સમય આવી ચૂક્યો છે કે હું પણ આવું જ કરું.
- અનિતા આનંદનો જન્મ કેનેડાના નવા સ્કોટિયાના કેન્ટવિલેમાં થયો હતો. તેના માતા-પિતા, સરોજ ડી. રામ અને એસ.વી. (એન્ડી) આનંદ, ભારતીય મૂળના ચિકિત્સક હતા. અનિતા આનંદની બે બહેનો છે – ગીતા અને સોનિયા આનંદ.
- અનિતા આનંદે 2019માં રાજકારણમાં પ્રવેશ કર્યો અને તે ત્યારથી કેનેડાની લિબરલ પાર્ટીના પ્રભાવશાળી નેતાઓમાંની એક બની છે. 57 વર્ષીય અનિતા હાલમાં કેનેડાના પરિવહન અને આંતરક મંત્રી તરીકે સેવા આપી રહી છે. અનિતા આનંદની શૈક્ષણિક અને રાજકીય યાત્રાએ કેનેડામાં તેમને એક મહત્વપૂર્ણ નેતા તરીકે સ્થાન અપાવ્યું છે.
- COVID-19 રોગચાળાના સમયમાં અનિતા આનંદે જાહેર સેવાઓ અને પ્રાપ્તિ મંત્રી તરીકે રસી મેળવવા અને વિતરણ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેના માટે તેમને ઘણી પ્રશંસા મળી હતી. વર્ષ 2021માં, તેમને કેનેડાની સંરક્ષણ પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા, જ્યાં તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન યુક્રેનને સહાય પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
- શૈક્ષણિક પૃષ્ઠભૂમિની વાત કરીએ તો અનિતા આનંદે ક્વીન્સ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સ્ટડીઝમાં સ્નાતક, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ન્યાયશાસ્ત્રમાં સ્નાતક, ડેલહાઉસી યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક અને ટોરોન્ટો યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતકની ડિગ્રી મેળવી છે.
- અનિતા આનંદે યેલ, ક્વીન્સ યુનિવર્સિટી અને વેસ્ટર્ન યુનિવર્સિટી જેવી પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં શિક્ષણ આપ્યું છે. રાજકારણમાં પ્રવેશતા પહેલા, તે ટોરોન્ટો યુનિવર્સિટીમાં કાયદાની પ્રોફેસર હતી.
(2:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
