News of Sunday, 12th January 2025
રૂ,200ની નોટ લેતા પહેલા તેને ચકાસી લેજો :નકલી નોટો બજારમાં ફરવા લાગી
રૂ, 200 અને 500ની નોટની લેડવદેવડ કરતી વખતે તે નોટ અસલી છે કે નકલી તેની તપાસ ચોક્કસ કરજો : બિહાર અને તેલંગાણામાં નકલી નોટોએ હલચલ મચાવી

હાલમાં ભારતમાં સૌથી વધુ મૂલ્યની ચલણી નોટ 500 રૂપિયાની છે. જ્યારથી 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી બહાર કરવામાં આવી છે, ત્યારથી વેપાર અને નાણાકીય લેવડદેવડના ક્ષેત્રમાં આને લઈને કેટલીક સમસ્યાઓ છે. અત્યારે નાણાકીય લેવડદેવડ માટે 200 અને 500 રૂપિયાની નોટોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, 500 રૂપિયાની નોટ બાદ હવે 200 રૂપિયાની નોટને લઈને ચિંતા વધી રહી છે. કારણ કે હાલ માર્કેટમાં મોટા પ્રમાણમાં 200 અને 500 રુપિયાની નકલી નોટ ઘુસાડવામાં આવી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000 રૂપિયાની નોટો બંધ કરાયા બાદ ઠગો દેશમાં 100, 200 અને 500 રૂપિયાની નકલી નોટો સપ્લાય કરી રહ્યા છે.
દેશમાં નકલી નોટોનું માર્કેટ ફરી એકવાર વધી રહ્યું છે. બિહારની માર્કેટમાં 500 રૂપિયાની નકલી નોટો ફરી રહી છે, હવે 200 રૂપિયાની નકલી નોટ પણ બજારમાં આવી ગઈ છે. ઓલ-ઈન્ડિયા ડેઈલી એશિયા નેટના રિપોર્ટ મુજબ, તેલંગાણાના નિર્મલ જિલ્લામાં 200 રૂપિયાની નકલી નોટોએ હલચલ મચાવી દીધી છે. વેપારીઓ આ નોટો લેવામાં ડરી રહ્યા છે અને નાણાકીય લેવડદેવડ ખૂબ જ સાવધાની સાથે કરી રહ્યા છે.
200 રૂપિયાની નકલી નોટો બિલકુલ અસલી નોટ જેવી જ દેખાય છે, જેના કારણે લોકો સાથે છેતરપિંડી થાય છે. એવામાં ઘણા લોકો વિચારી રહ્યા છે કે તેમની પાસે રહેલી 200 રૂપિયાની નોટ અસલી કે નકલી? 200 રૂપિયાની નકલી નોટના આ સમાચાર વહેતા થયા બાદ ઘણા લોકો તેમના ઘરે જઈને તપાસ કરી રહ્યા છે કે ક્યાંક તેમની પાસે પડેલી નોટો તો નકલી નથીને? તો બીજી બાજુ હાલમાં જ આંધ્રપ્રદેશમાં કાદિરી ખાતેથી મોટા પાયે 500 રુપિયાની નકલી નોટ પકડી પાડવામાં આવી હતી. જેની તપાસમાં ડુપ્લિકેટ નોટોનું ખૂબ જ મોટું નેટવર્ક સામે આવી આવ્યું હતું. ત્યારે 500-200 રુપિયાની નોટની લેવડદેવડ કરતી વખતે તે નોટ અસલી છે કે નકલી તેની તપાસ ચોક્કસ કરો
તમારી પાસે પડેલી 500 રુપિયાની નોટ નકલી છે કે અસલી? કઈ રીતે ઓળખશો? ત્યારે સૌથી પહેલાં તેની સાઇઝ વિશે સમજી લો. RBIના જણાવ્યા અનુસાર, સત્તાવાર 500 રુપિયાની નોટની સાઈઝ 66 મીમી x 150 મીમી છે. નોટ પર મૂલ્ય કિંમત દેવનાગિરી લિપીમાં લખવામાં આવી છે. આ ઉપરાંત નોટના મધ્ય ભાગમાં મહાત્મા ગાંધીનો ફોટો આવેલ છે, તેમજ સૂક્ષ્મ અક્ષરમાં 'ભારત' અને 'Bharat' લખ્યું છે. તેમજ 500 રુપિયાની નોટને જો વાળો તો તેમાં રહેલી લીલા રંગની પટ્ટી બ્લુ જેવા કલરની દેખાય છે.
નોટમાં મહાત્મા ગાંધીનું પોટ્રેટ અને 500 લખેલો ઇલેક્ટ્રોટાઇપ વોટર માર્ક છે. નોટમાં ઉપરની તરફ ડાબી અને નીચેની તરફ જમણી બાજુએ નંબર પેનલ આવેલી છે. નોટની જમણી બાજુ લીલાથી બ્લુ રંગમાં બદલાતી શાહીથી 500 રુપિયાનું ચિન્હ આવેલું છે. જ્યારે નોટની જમણી તરફ અશોક સ્તંભવાળું ચિન્હ છે. નોટની ડાબી બાજુએ સ્વચ્છ ભારતના લોગો સાથે નોટ છાપવાના વર્ષનો ઉલ્લેખ છે. આ રીતે રોકડમાં લેવડદેવડ કરતી વખતે તમારી પાસે આવતી નોટના તમામ સિક્યુરિટી ફીચર્સને તમારે ચેક કરવા જોઈએ તેવું સરકાર અને આરબીઆઈનું સૂચન છે.
RBIના જણાવ્યા અનુસાર, '200'ની અસલી નોટોમાં દેવનાગિરી લિપીમાં '200' લખેલું હોય છે. નોટના મધ્ય ભાગમાં મહાત્મા ગાંધીની તસવીર આવેલ છે. તેમજ સૂક્ષ્મ અક્ષરમાં 'ભારત' ,'Bharat' અને '200' લખ્યું છે. આ સિવાય નોટ પર રિઝર્વ બેંકનું પ્રતીક ચિહ્ન, મહાત્મા ગાંધીનું ચિત્ર અને ઈલેક્ટોટાઈપ 200 વોટર માર્ક હોય છે. 200 રૂપિયાની નોટની ઉપર ડાબી અને નીચે જમણી બાજુની પેનલની સંખ્યામાં નાનાથી મોટા અંક જોવા મળી શકે છે. આ સિવાય નોટ પર જમણી તરફ અશોક સ્તંભનું પ્રતિક ચિહ્ન જોવા મળશે.
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
