News of Sunday, 12th January 2025
રૂ.૫૦ હજાર કરોડના ખર્ચે ભારતભરમાં જળ- માર્ગો વિકસાવાશે
રાષ્ટ્રીય જળ- માર્ગોએ ગયા વર્ષના એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૨૦૨૩ ની સરખામણીમાં ઘણો વધુ વિકાસ કર્યો

ગુવાહાટી: ઇનલૅન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલે દેશના વિવિધ જળમાર્ગના વિકાસ માટે આગામી પાંચ વર્ષમાં રૂ.૫૦ હજાર કરોડથી વધુનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. દેશની વિવિધ નદી પર વધારાની જેટી ઉભી કરીને વેપાર અને પર્યટનને પ્રોત્સાહન અપાશે. બંદર, જહાજ અને જળમાર્ગ વિભાગના પ્રધાન સર્વાનંદ સોનોવાલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં કાંઠા વિસ્તારના આંતરિક માળખાના વિકાસ અંગે પણ ચર્ચા- વિચારણા કરાઈ હતી.
કેન્દ્રીય પ્રધાને જણાવ્યું હતું કે ઇનલૅન્ડ વોટરવેઝ ડેવલપમેન્ટ કાઉન્સિલે ૧૦૦૦ ગ્રીન વૅસલ્સ (જહાજ) લોન્ચ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. ઇનલૅન્ડ વોટરવેઝ ટ્રાન્સપોર્ટના મોટા પ્રોજેક્ટને અપડેટ કરાશે. સરકાર જહાજ નિર્માણ અને વહાણના સમારકામ માટેની સુવિધા વધારવા બનતા દરેક પ્રયાસ કરી રહી છે અને રાષ્ટ્રીય જળમાર્ગોના વિકાસથી માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટશે. તેમણે દાવો કર્યો હતો કે રાષ્ટ્રીય જળ- માર્ગોએ ગયા વર્ષના એપ્રિલથી નવેમ્બર સુધીમાં ૨૦૨૩ ની સરખામણીમાં ઘણો વધુ વિકાસ કર્યો હતો.
સોનોવાલે જણાવ્યું કે કેન્દ્ર સરકાર દેશની નદીઓમાં સહેલગાહ માટેની મોટી હોડીની સંખ્યા વધારીને પર્યટનને પ્રોત્સાહન આપી રહી છે. પાડોશી દેશો બાંગ્લાદેશ, નેપાલ, ભુતાન, મ્યાનમાર અને અન્ય કેટલાક રાષ્ટો સાથે નદી કે અન્ય જળમાર્ગે વેપાર વધારવામા આવી રહ્યો છે. આંધ્ર પ્રદેશમાં ગોદાવરી નદીમાં સ્ટીલની-૬ તરતી જેટી બનાવવાની, ગોવાની વિવિધ નદી અને જળાશયમાં ૧૦ જેટી, દિલ્હીમાં યમુના નદીમાં-૨ જેટી તેમજ જમ્મ અને કાશ્મીરની ઝેલમ નદીમાં-૭ જેટી તૈયાર કરવાનો નિર્ણય લેવાયો હતો.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
