<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th January 2025

મુંબઈમાં ૧૬મીએ યોજાનારી સ્ટાર્ટઅપ્સ ઇવેન્ટ

ઇવેન્ટમાં મહારાષ્ટ્ર સહિત દેશભરના સ્ટાર્ટઅપ્સ સાહસિકો ભાગ લેશે

 

મુંબઈ:નવા રોજગારનું સર્જન કરતા અને રાજ્યના અર્થતંત્રને વિકાસની નવી દિશા આપતા સ્ટાર્ટઅપ્સ એકમો માટે મહારાષ્ટ્ર સરકારે એક વિશેષ આયોજન કર્યું છે. ૨૦૪૭ સુધીમાં ભારતને વિશ્વમાં ટોચની અર્થવ્યવસ્થા બનાવવાની મહત્વકાંક્ષા સાથે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીએ ૧૬ જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ્સ દિવસ જાહેર કર્યો છે. આ વિશેષ દિવસે મહારાષ્ટ્ર સરકારના કૌશલ્યા, રોજગાર, ઉદ્યોગ સાહસિકતા અને ઇનોવેશન વિભાગની મહારાષ્ટ્ર સ્ટેટ ઇનોવેશન સોસાયટી દ્વારા ૧૬ જાન્યુઆરીએ મુંબઈમાં એક દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદઘાટન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા ૧૬ જાન્યુઆરીના રોજ સવારે ૧૦ વાગે શહેરના કોમર્શિયલ અને કોર્પોરેટ હબ બનેલા બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમા આવેલા જીઓ વર્લ્ડ સેન્ટર ખાતે કરવામાં આવશે. આ ઇવેન્ટમાં મહારાષ્ટ્ર સહિત દેશભરના સ્ટાર્ટઅપ્સ સાહસિકો ભાગ લેશે. 

   ટેકનોલોજી,કૃષિ,સેવાક્ષેત્ર,ફાર્માસ્યુટિકલ્સ અને પ્રવાસન જેવા વિવિધ ઉદ્યોગો અહીં તેમની નવીન પ્રવૃત્તિઓ રજૂ કરશે. આ કાર્યક્રમ ઉદ્યોગ સાહસિકો, યુવાનો, રોકાણકારો, ઇન્ક્યુબેટર્સને એક મંચ પર લાવી રાજ્યમાં સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. તે સ્ટાર્ટઅપ્સ ક્ષેત્રોના નિષ્ણાતોનુ માર્ગદર્શન, પેનલ ચર્ચાઓ અને સ્ટાર્ટ અપ્સને રાજ્ય સ્તરે તેમના વિચારો રજૂ કરવાની તક પૂરી પાડશે. ઉદ્યોગોના વિસ્તરણ માટે રોકાણ, સહકાર અને ભાગીદારી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા અને માર્ગદર્શન આપવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્ય દેશનું સૌથી વધુ ઔદ્યોગિક વિકાસ કરતું રાજ્ય છે અને તે દેશના વિકાસ માટે જરૂરી નવીન પ્રયોગો આપતું દેશનું અગ્રેસર રાજ્ય પણ છે.

(11:04 PM IST)