<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th January 2025

પીએમ મોદીએ શ્રીનગર-લેહને જોડતી ઝેડ-મોરહ ટનલનું કર્યું ઉદ્ઘાટન:

સોનમર્ગ અને ગગનગીરને જોડતી આ ટનલ 8,650 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને તેમાં 7.5 મીટર પહોળો સમાંતર માર્ગ :લદ્દાખને સડક માર્ગે જોડવાની સાથે આ ટનલ દેશની સંરક્ષણ જરૂરિયાતો અને પ્રાદેશિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં સોનમર્ગમાં ઝેડ-મોરહ ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. વ્યૂહાત્મક રીતે આ ટનલને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, એલજી મનોજ સિંહા અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ હાજર હતા. પીએમ મોદીની કાશ્મીર મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાદળોએ ઘાટીમાં સુરક્ષા વધારી દીધી છે. 

 

ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન મોદીએ ટનલનું નિરીક્ષણ કર્યું હતું. ટનલ વિસ્તારની નજીક સુરક્ષા સઘન કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીની સુરક્ષા ટીમ, જેમાં એસપીજી અધિકારીઓનો સમાવેશ થાય છે, તેમણે ઉદ્ઘાટન સ્થળે ચાર્જ સંભાળ્યો છે. સંવેદનશીલ સ્થળોએ શાર્પશૂટર્સ તૈનાત કરવામાં આવ્યા છે અને ડ્રોન દ્વારા એરિયલ અને ટેક્નિકલ સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે.

આ ટનલ બનાવવાનું કામ મે 2015માં શરૂ થયું હતું અને તેનું બાંધકામ ગયા વર્ષે પૂર્ણ થયું હતું. લદ્દાખની આ સુરંગ દેશની સંરક્ષણ જરૂરિયાતોથી પણ ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે આ ટનલ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને દેશના બાકીના ભાગો સાથે પણ જોડે છે.  આ ટનલ 8,650 ફૂટની ઉંચાઈ પર સ્થિત છે અને તેમાં કટોકટીની પરિસ્થિતિઓ માટે 7.5 મીટર પહોળો સમાંતર માર્ગ છે.  

 

નેશનલ  હાઈવે એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL) એ આ ટનલને ઈજનેરીની અજાયબી અને પ્રદેશ માટે ગેમ ચેન્જર ગણાવી છે. એમ પણ કહ્યું કે આ પ્રોજેક્ટ માત્ર મુસાફરીના અનુભવને જ નહીં પરંતુ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસને પણ વેગ આપશે. ઝેડ-મોરહ ટનલ સાથે ઝોજિલા ટનલનું કામ 2028 સુધીમાં પૂર્ણ થશે. આ પ્રાદેશિક સંરક્ષણ લોજિસ્ટિક્સ અને પરિવહનને સરળ બનાવશે. તેનાથી લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર વચ્ચે જોડાણ અને વિકાસને નવી દિશા મળશે

(1:52 PM IST)