<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th January 2025

BAPS સ્વામિનારાયણ સંસ્થા અક્ષરધામ દ્વારા આ વર્ષે પ્રથમ વખત મહાકુંભ મેળામાં ભવ્ય શિબિરનું આયોજન

વૈદિક પૂજા પદ્ધતિથી શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગંગા પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ મહાકુંભ અને શિબિરની સફળતા માટે શુભ સંકલ્પો લેવામાં આવ્યા હતા

નવી દિલ્‍હીઃ પ્રયાગરાજમાં મહા કુંભ મેળો શરૂ થઈ ગયો છે. 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલનારા આ ઐતિહાસિક પ્રસંગમાં કરોડો ભક્તો ભાગ લેશે. BAPS સ્વામિનારાયણ સંસ્થા અક્ષરધામ દ્વારા આ વર્ષે પ્રથમ વખત મહાકુંભ મેળામાં ભવ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર દ્વારા લોકોમાં સેવાની ભાવના, સમર્પણ અને આધ્યાત્મિક ચેતના જગાવવાનું કાર્ય કરવામાં આવશે. 13 જાન્યુઆરીએ અક્ષરધામના સંતો અને વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વૈદિક પૂજા પદ્ધતિથી શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં ગંગા પૂજન અને વૈદિક મંત્રોચ્ચાર સાથે આ મહાકુંભ અને શિબિરની સફળતા માટે શુભ સંકલ્પો લેવામાં આવ્યા હતા.

આ અંગે પ્રકાશ પાથરતાં અક્ષરધામ મંદિરના મુખ્ય સંત પ્રભારી પૂજ્ય મુનિવત્સલદાસ સ્વામીએ જણાવ્યું હતું કે, 'પ્રયાગરાજ મહાકુંભમાં દિલ્હી અક્ષરધામ દ્વારા પ્રથમ વખત આ પ્રકારની શિબિર યોજવામાં આવી રહી છે, જેના પ્રેરણાસ્રોત પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ છે. આ શિબિરમાં વ્યસન મુક્તિને પ્રોત્સાહન આપવા અને વેદ અને ઉપનિષદ જેવા વૈદિક સાહિત્યનો અભ્યાસ કરવા માટે એક વિશેષ અધ્યયન વર્ગ આરંભ કરવામાં આવ્યો છે. વ્યસનમુક્તિ અને પારિવારિક એકતા માટે નિત્ય પ્રેરક પ્રદર્શનોનું આયોજન કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં નિત્ય વૈશ્વિક શાંતિ માટે વિશેષ અનુષ્ઠાન પણ કરવામાં આવી રહ્યા છે.

આ કેમ્પ મહાકુંભ મેળા વિસ્તારના સેક્ટર 6, બજરંગ દાસ માર્ગ પર સ્થિત છે. ભવ્ય પંડાલ અને કલાત્મક ભવ્ય ગેટ આ શિબિરની વિશેષતા છે. હાલમાં પરસ્પર યુદ્ધો અને સામાજિક મડાગાંઠોથી ઝઝૂમી રહેલા સમાજને એક નવી દૃષ્ટિ આપવા માટે અક્ષરધામ દ્વારા કરેલ આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે. દિલ્હી અક્ષરધામનો આ પ્રયાસ મહાકુંભ મેળાની ગરિમા તો વધારશે જ, પરંતુ સેવા, આધ્યાત્મિકતા અને સમાજ કલ્યાણના ક્ષેત્રોમાં પણ નવી ઉર્જાનો સંચાર કરશે.

(2:22 PM IST)