News of Thursday, 16th January 2025
IT રિટર્ન ભરવાનું બાકી હશે તો આગામી બે વર્ષ સુધી ભરપાઇ કરવાની છૂટછાટ
ટેક્સ ભરવાનો નહીં હોય તેવા કરદાતા હવે રિટર્ન ફાઈલ કરી શકશે નહીં ટેકસની રકમ ઉપરાંત વ્યાજ અને તેના પર ૨૫ ટકા વધુ ભરવા પડશે

નવી દિલ્હી, તા.૧૬: ઇન્કમટેક્સ રિટર્ન ભરવાનું ભૂલી ગયા હોય તેવા કરદાતા ટેક્સની રકમની સાથે વ્યાજ અને તેના પર ૨૫ ટકા વધુ રકમ ભરપાઈ કરશે તો જ રિટર્ન ફાઇલ કરી શકશે. તેમાં પણ જે કરદાતાએ એક પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો થતો નહીં હોય તેવા કરદાતા રિટર્ન જ ફાઈલ કરી શકશે નહીં. આ ઉપરાંત જે કરદાતાને ટેકસ ભરવાનો હોય તે આગામી બે વર્ષ એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં પોતાનું રિટર્ન ફાઇલ કરી શકશે.
સામાન્ય રીતે ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવાની મુદત ૩૧ જુલાઈ આપવામાં આવતી હોય છે. ત્યારબાદ ૩૧ ડિસેમ્બર સુધીમાં પણ કરદાતા રિટર્ન ફાઇલ કરી શકતા હોય છે. સાથે સાથે તેમાં સુધારા વધારા હોય તો તે પણ કરવાની છૂટ આપવામાં આવતી હોય છે. જયારે ચાલુ વર્ષે તેની મુદતમાં ૧૫ દિવસનો વધારો આપવામાં આવ્યો હોવાથી ૧૫ જાન્યુઆરી સુધીમાં આઇટી રિટર્ન ફાઇલ કરી શકાતું હતું. તેની મુદત આજે પૂરી થવાના લીધે કેટલાક કરદાતાઓ રિટર્ન ફાઇલ કરવાનું ભૂલી ગયા હોય તો તે કરદાતા આગામી બે વર્ષ એટલે કે ૩૧ માર્ચ ૨૦૨૭ સુધીમાં પોતાનું રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપવામાં આવી છે. પરંતુ તેમાં કરદાતાએ ટેક્સની રકમની સાથે વ્યાજ અને તેના પર ૨૫ ટકા વધારાની રકમ ચુકવણી કર્યા બાદ જ રિટર્ન ફાઈલ કરવાની સુવિધા આપવામાં આવી છે. જવારે જે કરદાતાએ એક પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો થતો નથી તેવા કરદાતા રિટર્ન ફાઈલ કરી શકશે નહીં.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈન્કમટેક્સ રિટર્ન ભરવામાં આવ્યું હોય તો જ કરદાતા દ્વારા જ્યારે લોન લેવા જાય ત્યારે તેની પાસેથી છેલ્લા ત્રણ વર્ષના આઈટી રિટર્ન ભરેલા માંગવામાં આવતા હોય છે. જયારે પહેલા કરદાતા એકસાથે ત્રણ વર્ષના રિટર્ન ફાઈલ કરી શકતા હતા. જયારે આ સુવિધા બંધ કરી દેવામાં આવતા હવે કરદાતા એક જ વર્ષનું રિટર્ન ભરી શકે છે. જોકે દંડ, વ્યાજ સહિતની રકમ ભરવામાં આવે તો જ રિટર્ન ફાઈલ કરવાની સુવિધાનો લાભ લઇ શકે છે.
(11:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
