News of Thursday, 16th January 2025
કતારના પ્રધાનમંત્રીના કારણે ઇઝરાયલ-હમાસનું આ યુદ્ધ બંધ થયું
શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીના કારણે મહિનાઓ સુધી ઇઝરાયલ અને હમાસ સતત મિટિંગ કરતા રહયા હતા અંતે તેમને સફળતા મળી :કતારના પ્રધાનમંત્રીની વાત ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ ન ટાળી શકયા

દોહા, તા.૧૬: દુનિયામાંથી એક ભયંકર યુદ્ધ ખતમ થઈ ગયું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને એક સારા સમાચાર આવ્યા છે. ઇઝરાયલ-હમાસના યુદ્ધનો અંત આવી ગયો છે. ૧૫ મહિના સુધી ચાલેલા કત્લેઆમથી ગાઝાની ધરતી લોહીથી લાલ થઈ ગઈ હતી. હવે ગાઝા શાંતિનો શ્વાસ લઈ શકશે. ઇઝરાયલ અને હમાસ સીઝફાયર એટલે કે યુદ્ધવિરામ કરાર પર સહમત થયા છે. બંને દેશો વચ્ચે આ ડીલ કરાવનારા વ્યક્તિએ આ વાતની પુષ્ટિ કરી છે. આ એ વ્યક્તિ છે, જેણે પોતાના દેશની ધરતી પર બંને દેશોને બેસાડીને વાત કરવા મજબૂર કર્યા. આ એ વ્યક્તિ છે, જેની વાત ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ પણ ન ટાળી શકયા. શું તમે જાણો છો કે ઇઝરાયલ-હમાસના યુદ્ધમાં આ મહત્વની ભૂમિકા ભજવનાર વ્યક્તિ કોણ છે?
કોણે કરાવી ડીલ?
તમે વિચારતા હશો કે, આ વ્યક્તિ જો બાઈડન કે ડોનાલ્ડ ટ્રમ્પ હશે, તો તમે ખોટા છો. આ વ્યક્તિ કતારના પ્રધાનમંત્રી છે, જેમના કારણે ઇઝરાયલ-હમાસનું આ યુદ્ધ બંધ થયું છે. કતારના પ્રધાનમંત્રીએ ગાઝામાં ૧૫ મહિનાથી ચાલી રહેલું વિનાશકારી યુદ્ધ ખતમ કરવાની જાહેરાત કરી છે. સાથે જ તેમણે ઘણા ઇઝરાયલી બંધકોને છોડવા માટે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો હોવાની જાહેરાત કરી છે. કતારના વડાપ્રધાનનું નામ છે શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની. શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીના કારણે મહિનાઓ સુધી ઇઝરાયલ અને હમાસ સતત મિટિંગ કરતા રહયા હતા. અંતે તેમને સફળતા મળી અને હવે ઇઝરાયલ-હમાસના યુદ્ધનો અંત થયો છે.
કયારથી લાગુ થશે આ કરાર?
કતારના વડાપ્રધાને કહયું કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર રવિવાર, ૧૯ જાન્યુઆરીથી લાગુ થશે. ખુદ ઇઝરાયલ અને હમાસે પણ પુષ્ટિ કરી છે કે તેઓ ગાઝા પટ્ટીમાં યુદ્ધ રોકવા માટે યુદ્ધવિરામ કરાર સાથે સહમત થયા છે. કતારની રાજધાની દોહામાં ઘણા સપ્તાહો સુધીની વાર્તા બાદ બંને આ સમજૂતી પર પહોંચ્યા છે. ત્યારે હવે સવાલ થાય કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારમાં કઈ કઈ વાત સામેલ છે. જણાવી દઈએ કે, આ કરારમાં હમાસ દ્વારા બંધકોની તબક્કાવાર છોડવા, ઇઝરાયલમાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને છોડવા અને ગાઝામાં વિસ્થાપિત હજારો લોકોને પાછા ફરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે.
શું છે કતારની ભૂમિકા?
ઇઝરાયલ અને હમાસ વચ્ચે કતારે મધ્યસ્થી કરાવી છે. શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાનીએ તેની માટે બધા જ પ્રયત્નો કર્યા હતા. કતાર એ દેશ છે જેની પર ઇઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુને સંપૂર્ણ વિશ્વાસ છે અને હમાસને પણ વિશ્વાસ હતો. જેનું કારણ એ છે કે, કતાર એવો દેશ છે, જેનો ઇઝરાયલ, અમેરિકા અને હમાસ ત્રણેય સાથે સંપર્ક છે. સાથે જ તેઓ વચ્ચે સારા સંબંધો પણ છે. આમ તો ઇઝરાયલ-હમાસ યુદ્ધ રોકવા માટે ભારત સહિત ઘણા દેશોએ મહત્વનો ભાગ ભજવ્યો. છતાં કતાર તેમાં અવ્વલ રહ્યું છે. કતાર દુનિયાનો સૌથી મોટો ગેસ ઉત્પાદક દેશ હોવા તરીકે અમેરિકા અને દુનિયાના ઘણા દેશો સાથે સંપર્કમાં રહે છે. તે અમેરિકાના હથિયારોનો પ્રમુખ ખરીદદાર છે. જેના કારણે ઇઝરાયલ અને અમેરિકાને પણ કતાર પર સંપૂર્ણ વિશ્વાસ હતો.
કોણ છે શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની ?
શેખ મોહમ્મદ બિન અબ્દુલ રહમાન અલ થાની કતારના વડાપ્રધાન છે. તેમનો જન્મ ૧ નવેમ્બર, ૧૯૮૦ના રોજ થયો હતો. તેઓ કતારના રાજનાયિક, અર્થશાસ્ત્રી અને રાજનેતા છે, જેઓ ૭ માર્ચ, ૨૦૨૩થી કતારના વડાપ્રધાન છે. આ પહેલાં તેઓ ડેપ્યુટી પીએમ અને વિદેશ મંત્રીનું પદ પણ સંભાળી ચૂકયા છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
